સુરત, તા.13 અહીંના વેડ રોડ પર નાસીરનગરમાં થયેલા ગેરકાયદે ડિમોલીશને રાજયમાં તો ખળભળાટ મચાવ્યો છે. હવે તેના પડઘા દિલ્હીમાં પીએમઓ-વડાપ્રધાન કાર્યાલય સુધી પડયા છે.સુરતનાં મ્યુનિસિપલ કમિશ્નરને આ મામલે કોઈ મોટા માથા સામે પગલા લેવાશે કે પછી બધુ ભીનુ સંકેલાઈ જશે?
એવી ચર્ચા છે કે પ્લાન પાસ કરાવવા અને કરોડોની કમાણી માટે બિલ્ડરોએ `ભુતિયા’ ડિમોલીશનનો કારસો રચ્યો છે.આ સમગ્ર વિવાદનાં મુળમાં નાસીર નગરની બાજુમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતની જમીન અને તેના પર બનનારા બિલ્ડરોનો મેગા પ્રોજેકટ છે.બિલ્ડરો આ જગ્યાએ આલીશાન પ્રોજેકટ બનાવવા માગે છે પરંતુ કાયદાકીય રીતે જયાં સુધી ત્યાં જવાનો રસ્તો ન ખુલે ત્યાં સુધી તેમનો પ્લાન પાસ થઈ શકે તેમ નહોતો બિલ્ડરોએ આજથી એક વર્ષ પહેલા આ પ્રોજેકટના પ્લાન માટે મનપામાં પ્રયાસ કર્યો હતો પણ તે સમયે મનપાના તંત્રે સ્પષ્ટ ના પાડી કહી દીધુ હતું કે પ્રોપર રસ્તા વગર પ્લાન મંજુર નહીં થાય.હાલમાં બિલ્ડરની પીવીસીની ફાઈલ આ રસ્તાનાં વાંકે જ અટકેલી પડી છે.આ પ્રોજેકટનો રસ્તો ખુલ્લો કરવા અને કરોડોની કમાણી કરવા આખો ભૂતિયા ડિમોલીશનનો કારસો રચાયાનું બહાર આવ્યું છે. આ કારસામાં ખાખી વર્દીનો પણ ભરપુર દુરૂપયોગ થવાના સનસનીખેજ પુરાવા બહાર આવ્યા છે.
આ મામલે વિપક્ષી કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ અને સરકારી તંત્ર સામે મોરચો ખોલી દેવામાં આવ્યો છે. વિપક્ષનો દાવો છે કે બિલ્ડરોનાં કરોડોના પ્રોજેકટને ફાયદો કરાવવા સરકારી બાબુઓએ કાયદેસરની પ્રક્રિયા વિનો ગરીબોનાં ઘર પર બુલડોઝર ફેરવી નાખ્યુ ચે આ કૌભાંડમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયા હોવાની આશંકા છે તેવા વિપક્ષે આરોપ લગાવ્યા છે
