સરકારી શાળાઓના લાખો ગરીબ વિદ્યાર્થીઓ પુસ્તકો વિના મજબૂર: શિક્ષણમાં ‘આમૂલ પરિવર્તન’ના દાવા માત્ર કાગળ પર? : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલ

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ  રાવલ

સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્કના ભવ્ય કાર્યક્રમો વચ્ચે ગુજરાતમાં શિક્ષણની વરવી વાસ્તવિકતા: શાળા શરૂ થયાના ૧૦ દિવસ પછી પણ ધોરણ ૯ અને ૧૧ના પુસ્તકો ગાયબ!

પુસ્તક મંડળની ગંભીર બેદરકારી? બજારમાં રૂપિયાથી વેચાતા પુસ્તકો ઉપલબ્ધ, પણ વિનામૂલ્યે અપાતા પુસ્તકોનું છાપકામ જ અધૂરું; ૨૦૮માંથી માત્ર ૧૫ રૂટ પર જ વિતરણ થયું!

અમદાવાદ 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ખાધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (State Curriculum Framework) રજૂ કરવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ, નવા અભ્યાસક્રમ અને શિક્ષણમાં આમૂલ પરિવર્તનની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ પાસે ભણવા માટેના પાઠ્યપુસ્તકો જ ઉપલબ્ધ નથી, ત્યારે આવા ફ્રેમવર્કનો વાસ્તવિક અર્થ શું રહે છે? નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF) વર્ષ 2023માં જાહેર થઈ ચૂક્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર પાસે નવા અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શિક્ષણ વ્યવસ્થાની તૈયારી માટે પૂરતો સમય હતો. તેમ છતાં આજે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્કના ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ હજુ પણ વિનામૂલ્યે મળવાપાત્ર પાઠ્યપુસ્તકોની રાહ જોઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તક ન હોય, શિક્ષકો પાસે અભ્યાસક્રમ ચલાવવા માટે જરૂરી સામગ્રી ન હોય અને શાળાઓમાં શિક્ષણકાર્યની શરૂઆત જ યોગ્ય રીતે થઈ શકતી ન હોય ત્યારે કરિક્યુલમ ફ્રેમવર્ક, શિક્ષણ સુધારણા અને નવી નીતિઓની જાહેરાતો માત્ર કાગળ ઉપરના દાવા બનીને રહી જાય છે. શિક્ષણમાં વાસ્તવિક પરિવર્તન ભાષણો અને કાર્યક્રમોથી નહીં, પરંતુ વિદ્યાર્થીઓ સુધી સમયસર પુસ્તકો પહોંચે ત્યારે આવે છે.ગુજરાતમાં શાળાઓ 6 જૂનથી શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે શાળા શરૂ થાય તે પહેલાં જ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થઈ જવા જોઈએ જેથી પ્રથમ દિવસથી જ શિક્ષણકાર્ય નિયમિત રીતે શરૂ થઈ શકે. પરંતુ આજે શાળા શરૂ થયાને 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રાજ્યના લાખો વિદ્યાર્થીઓ, ખાસ કરીને ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ, વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તકો વગર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
મારી પાસે ઉપલબ્ધ થયેલા પાઠ્યપુસ્તક વિતરણ સંબંધિત દસ્તાવેજો અને માહિતી અનુસાર તા. 16 જૂન, 2026 સુધી ધોરણ 9 થી 12ના પુસ્તકોના વિતરણમાં ગંભીર વિલંબ જોવા મળી રહ્યો છે. ઉપલબ્ધ આંકડા મુજબ કુલ 208 રૂટમાંથી માત્ર 15 રૂટમાં જ પુસ્તકો મોકલવામાં આવ્યા છે, જ્યારે 193 રૂટમાં હજુ સુધી પુસ્તકો પહોંચ્યા નથી. રાજ્યભરના 400થી વધુ વિતરણ કેન્દ્રો પર પુસ્તકો ઉપલબ્ધ ન હોવાની સ્થિતિ સર્જાઈ છે.

આ સમગ્ર સ્થિતિનો સૌથી વધુ ભોગ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બની રહ્યા છે. અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), આદિવાસી તથા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ સરકાર દ્વારા આપવામાં આવતા વિનામૂલ્ય પાઠ્યપુસ્તકો પર આધાર રાખે છે. પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસને સીધી અસર પહોંચી રહી છે અને શિક્ષકો માટે પણ સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવો મુશ્કેલ બની રહ્યો છે.
આ બાબતમાં વધુ ચિંતાજનક માહિતી પાઠ્યપુસ્તક મંડળના જાણકાર સૂત્રો તરફથી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિનામૂલ્યે વિતરણ કરવાના કેટલાક પુસ્તકોનું છાપકામ જ હજુ સુધી પૂર્ણ થયું નથી. જો આ માહિતી સાચી હોય તો પ્રશ્ન માત્ર વિતરણમાં વિલંબનો નથી, પરંતુ સમગ્ર આયોજન, ખરીદી, છાપકામ અને વિતરણ પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો થાય છે. મારી પાસે પાઠ્યપુસ્તક મંડળના આંતરિક દસ્તાવેજોની એવી વિગતો પણ ઉપલબ્ધ છે જે આ સમગ્ર મામલામાં ગંભીર બેદરકારી અને અનિયમિતતાની આશંકાને મજબૂત બનાવે છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે પાઠ્યપુસ્તકો બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થાય છે તે સમયસર છપાઈને બજારમાં પહોંચી ગયા છે, જ્યારે ગરીબ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવનારા પુસ્તકો હજુ સુધી ઉપલબ્ધ નથી. એક તરફ રાજ્ય સરકાર અને શિક્ષણ મંત્રી શિક્ષણમાં “અમૂલ પરિવર્તન”ના દાવા કરે છે, પરંતુ બીજી તરફ વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની સૌથી મૂળભૂત જરૂરિયાત એવા પાઠ્યપુસ્તકો પણ સમયસર ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ જાય છે. આથી સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભો થાય છે કે સરકારની પ્રાથમિકતા શિક્ષણ છે કે પુસ્તકોના વેચાણમાંથી આવક મેળવવાનો ધંધો?

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે જનતા સમક્ષ સ્પષ્ટ કરવું જોઈએ કે શાળા શરૂ થયા પછી પણ પુસ્તકો કેમ પહોંચ્યા નથી, કુલ 208 રૂટમાંથી માત્ર 15 રૂટમાં જ વિતરણ કેમ થઈ શક્યું, રાજ્યના 400થી વધુ કેન્દ્રો પર પુસ્તકો કેમ ઉપલબ્ધ નથી, વિનામૂલ્યે વિતરણ કરવાના પુસ્તકોનું છાપકામ પૂર્ણ થયું છે કે નહીં અને આ સમગ્ર વિલંબ માટે જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે.આ સમગ્ર મામલામાં માત્ર વહીવટી બેદરકારી જ નહીં પરંતુ મોટા પાયે અનિયમિતતા અથવા સંભવિત કૌભાંડની આશંકા પણ નકારી શકાય તેમ નથી. શાળા શરૂ થયાના દિવસો વીતી ગયા હોવા છતાં લાખો વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો ન પહોંચવા, વિનામૂલ્યે વિતરણ થનારા પુસ્તકોના છાપકામ અંગે ઉભા થયેલા પ્રશ્નો અને વિતરણ પ્રક્રિયામાં દેખાતી ગંભીર ખામીઓ અનેક શંકાઓને જન્મ આપે છે.

આગામી દિવસોમાં ઉપલબ્ધ દસ્તાવેજો, આંતરિક માહિતી અને હકીકતોની વધુ તપાસ કરીને સમગ્ર સત્ય જનતા સમક્ષ મૂકવામાં આવશે. જો આ મામલામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, નાણાકીય અનિયમિતતા અથવા જવાબદાર અધિકારીઓની બેદરકારી સામે આવશે તો તેની સંપૂર્ણ વિગતો જાહેર કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.
ગુજરાત સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને બાકી રહેલા તમામ પાઠ્યપુસ્તકોનું વિતરણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરે, સમગ્ર મામલે પારદર્શક તપાસ હાથ ધરે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા આ અન્યાય માટે જવાબદારોને જવાબદાર ઠેરવે તેવી અમારી માંગ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *