અમદાવાદ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ (RPO) દ્વારા પડતર પાસપોર્ટ અરજીઓ (Pending Passport Applications) તેમજ દસ્તાવેજો જમા કરાવવા બાબતે અરજદારોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અરજદારો પાસેથી મળેલી વિનંતીઓ અને રજૂઆતોનો સરળ તથા સમયસર નિકાલ સુનિશ્ચિત કરવા માટે કચેરી દ્વારા એક ખાસ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે આગામી 15મી જૂન, 2026થી અમલમાં આવશે.
ઓનલાઈન એપોઈન્ટમેન્ટ સ્લોટની પૂરતી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને અને અરજદારોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ સુવિધાના વધુ ઉપયોગને પ્રોત્સાહન મળે તે હેતુથી આ નવો નિર્ણય લેવાયો છે.
દરરોજ 100 ઓનલાઈન એપોઈન્ટમેન્ટ અપાશે આ નવી વ્યવસ્થા અંગે માહિતી આપતા અમદાવાદના રીજયોનલ પાસપોર્ટ ઓફિસર (IFS) અભિજીત શુકલાએ જણાવ્યું છે કે, પાસપોર્ટને લગતી કોઈપણ પૂછપરછ અથવા દસ્તાવેજો સબમિટ કરવા માટે ઓફિસના કામકાજના દિવસો દરમિયાન દરરોજ 100 ઓનલાઈન એપોઈન્ટમેન્ટ જારી કરવામાં આવશે. અરજદારો પોતાની અનુકૂળતા મુજબનો સમય અને તારીખ પૂર્વ-નિર્ધારિત (Pre-book) કરીને પાસપોર્ટ ઓફિસની મુલાકાત લઈ શકશે.
અરજદારો માટે મહત્વની નોંધ આ નવી સુવિધાથી પાસપોર્ટ ઓફિસ ખાતે થતી બિનજરૂરી ભીડ અટકશે અને અરજદારોના પડતર પ્રશ્નોનો ખૂબ જ ઝડપથી અને પારદર્શક રીતે નિકાલ લાવી શકાશે. અરજદારોને સત્તાવાર પોર્ટલ પરથી એપોઈન્ટમેન્ટ બુક કરાવીને જ કચેરીની મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.
