‘મહિલાઓને દર્દથી તડપતી જોવામાં આવતી હતી મજા’: કાનપુરના આ સાયકો યુવકની કરતૂત જાણી ચોંકી જશો

Spread the love

ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક હૃદયકંપાવી દેનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં રસ્તે ચાલતી મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ પર કેમિકલ ફેંકીને તેમને ઘાયલ કરનારા એક સાયકો યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની વિકૃત માનસિકતા જાણીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી છે કે તેને મહિલાઓને દર્દથી તડપતી જોવામાં મજા આવતી હતી, અને આ જ કારણે તે રસ્તે જતી છોકરીઓને નિશાન બનાવતો હતો.આ ચોંકાવનારી ઘટના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. 3 દિવસ પહેલા એક નર્સ ફરજ પૂરી કરીને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે અજાણ્યા શખ્સે તેના પર કેમિકલ ફેંક્યું હતું. આ કેમિકલ એટલું તીવ્ર હતું કે નર્સની હથેળીની ત્વચા ખરાબ રીતે દાઝી ગઈ હતી. આ ઘટનાના થોડા જ સમય બાદ કોચિંગ ક્લાસથી ઘરે જઈ રહેલી એક વિદ્યાર્થિની પર પણ કેમિકલ ફેંકવામાં આવ્યું હતું. સદનસીબે કેમિકલ તેના કપડાં પર પડતાં મોટી દુર્ઘટના ટળી હતી. બે વયસ્ક મહિલાઓ પર ઉપરાઉપરી થયેલા હુમલાથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

 

CCTV ફૂટેજે ખોલ્યો ભેદ

 

શરૂઆતમાં હુમલાખોરની કોઈ ઓળખ થઈ શકી ન હતી. પોલીસે વિસ્તારના ડઝનબંધ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા, જેમાં એક સાયકલ સવાર યુવક બંને ઘટનાસ્થળની આસપાસ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. આ ફૂટેજના આધારે પોલીસ તેના ઘર સુધી પહોંચી ગઈ અને વોચ ગોઠવી દીધી.

 

જેવો આરોપી દિલશાદ ફરી કોઈ નવી વારદાતને અંજામ આપવા સાયકલ લઈને નીકળ્યો, કે તરત જ પોલીસે તેને દબોચી લીધો. તેની તલાશી લેતા કેમિકલથી ભરેલી બોટલ અને ચરસ મળી આવ્યું હતું.

 

અગાઉ જેલની હવા ખાઈ ચૂક્યો છે આરોપી

 

પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી દિલશાદ અગાઉ 3 વર્ષ પહેલા એક સગીરા પર દુષ્કર્મના પ્રયાસ બદલ પોક્સો (POCSO) એક્ટ હેઠળ જેલ જઈ ચૂક્યો છે. DCP એસ.એમ. કાસિમ આબિદીએ જણાવ્યું કે, આરોપી આ કેમિકલ ક્યાંથી લાવતો હતો અને તેની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલુ છે. ધરપકડ બાદ પણ આ નરાધમના ચહેરો પર પસ્તાવાનો કોઈ ભાવ ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *