ભાવનગર શહેરમાં લાંબા સમયથી જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તેવા મેઘરાજાની આજે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.
માત્ર બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ, રસ્તાઓ પાણી-પાણી
શહેરમાં બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.અચાનક શરૂ થયેલા આ ધોધમાર વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. છેલ્લા કેટલાય સમયથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ગયેલા ભાવનગરવાસીઓને આ વરસાદથી મોટી રાહત મળી છે.
આકરી ગરમી બાદ ચોમાસાની વિધિવત શરૂઆત
ચાલુ વર્ષે ઉનાળાના અંતિમ દિવસોમાં પણ ભાવનગરમાં સતત એક અઠવાડિયા સુધી મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું હતું, જે લોકો માટે કાળઝાળ સાબિત થયું હતું. જોકે, ગત સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ચોમાસાની ગતિવિધિઓ તેજ બની હતી. આજે શહેરમાં ચોમાસાની જોરદાર શરૂઆત થઈ હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી ભાવનગરમાં વરસાદ પડવાની સંભાવના છે.
ભારે પવનથી વૃક્ષો ધરાશાયી, પતરા ઉડ્યા અને વીજ પુરવઠો ખોરવાયો
વરસાદની સાથે ફૂંકાયેલા તીવ્ર પવનને કારણે શહેરમાં અનેક જગ્યાએ નુકસાનના અહેવાલો પણ સામે આવ્યા છે. શહેરના સાગવાડી વિસ્તારમાં એક મોટું વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયું હતું. ભારે પવનના કારણે રહેણાંક મકાનોના પતરા હવામાં ઉડી ગયા હતા. અચાનક વાવાઝોડા જેવા માહોલ વચ્ચે વરસાદ તૂટી પડતા મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સદનસીબે આ કુદરતી આફત અને નુકસાન વચ્ચે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ
માત્ર ભાવનગર શહેર જ નહીં, પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી છે. મહુવાના મોટા ખુટવડા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસતા ગ્રામજનોને ગરમીથી મોટી રાહત મળી છે.
મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો હતો. મોટા ખુટવડા, આસરાણા, કિકરીયા અને ધોધમાર વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો હતો, જ્યારે કુંભણ, નાનાજાદરા, ભાદરા, દુધાળા, બેલંપર અને કાળેલા ગામોમાં પણ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું.
સવારથી અનુભવાતી ગરમી અને ઉકળાટ બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ત્યારબાદ વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જોકે વરસાદ ટૂંકા સમય માટે રહ્યો, તેમ છતાં ખેતી માટે આશાજનક માહોલ સર્જાયો છે.
