વાસ્તવમાં, આ પાસ દેશના તમામ હાઈવે અને એક્સપ્રેસ-વે પર માન્ય નથી. જેના કારણે વાર્ષિક પાસ હોવા છતાં પણ વાહનચાલકોને પૂરેપૂરો ટોલ ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે અને લોકો ભારે કન્ફ્યુઝનમાં મુકાઈ રહ્યા છે.તમને જણાવી દઈએ કે, FASTag વાર્ષિક પાસ મેળવવા માટે અંદાજે ₹3000 ની ચૂકવણી કરવી પડે છે. આ પાસ 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રિપ (આ બેમાંથી જે પહેલા પૂરું થાય) ત્યાં સુધી માન્ય ગણાય છે.હવે સવાલ એ છે કે આખરે આ પાસ ક્યાં માન્ય નથી? જો તમે મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે, મહારાષ્ટ્રના સમૃદ્ધિ મહામાર્ગ, ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસ-વે, યમુના એક્સપ્રેસ-વે, બુંદેલખંડ એક્સપ્રેસ-વે, આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે કે પછી ગોવાના અટલ સેતુ પર મુસાફરી કરી રહ્યા છો, તો ત્યાં આ પાસ કામ નહીં કરે. આ એવા રૂટ છે જેનું સંચાલન રાજ્ય સરકારો કે અલગ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે.આ પાસ અહીં કેમ નથી ચાલતો તેનું મુખ્ય કારણ એ છે કે NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ આ FASTag વાર્ષિક પાસ ખાસ કરીને માત્ર કેન્દ્ર સરકાર હેઠળ આવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો (નેશનલ હાઈવે) અને તેના ટોલ પ્લાઝા માટે જ બનાવ્યો છે. રાજ્ય સરકારના પ્રોજેક્ટ્સ તેમની પોતાની અલગ ટોલ સિસ્ટમ હેઠળ આવતા હોવાથી આ પાસ ત્યાં કવર થતો નથી.તો પછી આવા રૂટ પર ટોલ કેવી રીતે કપાશે? જ્યારે તમે આ રૂટ પરથી પસાર થશો, ત્યારે તમારા વાર્ષિક પાસને બદલે તમારા રેગ્યુલર FASTag એકાઉન્ટમાંથી ટોલના પૈસા કાપવામાં આવશે. એટલે કે, તમારી પાસે વાર્ષિક પાસ હોવા છતાં, તમારા FASTag વોલેટમાં પૂરતું બેલેન્સ જાળવી રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીંતર ટોલ પ્લાઝા પર તમારે અટકવાનો વારો આવી શકે છે.