AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્નીને 7 વર્ષની જેલની સજા, વાંચો AAP-BJPની પ્રતિક્રિયા

Spread the love

ગુજરાત અને ખાસ કરીને ભરૂચ-નર્મદા જિલ્લાના રાજકારણમાં આજે એક બહુ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ફોરેસ્ટ કર્મચારી પર હુમલો કરવાના ચકચારી કેસમાં રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સહિત કુલ 9 આરોપીઓને ગુનેગાર જાહેર કરી 7-7 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે.આ કેસની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કોર્ટે માત્ર ધારાસભ્ય જ નહીં, પરંતુ તેમના પત્ની શકુંતલા વસાવાને પણ આ ગુનામાં સમાન રીતે ભાગીદાર ગણીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે તમામ દોષિતો પર 25 હજાર રૂપિયાનો આર્થિક દંડ પણ લગાવ્યો છે. જો દંડની રકમ ન ચૂકવાય તો સજાની મુદતમાં વધારો થઈ શકે છે.

 

શું હતો સમગ્ર મામલો?

 

આ વિવાદ વન વિભાગની જમીન અને સરકારી કર્મચારીઓ સાથેની બોલાચાલીથી શરૂ થયો હતો. વન વિભાગના કર્મચારીઓએ ચૈતર વસાવા અને તેમના સમર્થકો સામે ફરજમાં રૂકાવટ, ધમકી આપવા અને મારપીટ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. લાંબી કાનૂની લડત અને પુરાવાઓની ચકાસણી બાદ આજે કોર્ટે આ કડક ચુકાદો આપ્યો છે.

 

ભાજપ સામે નહિ ઝુકવાની આ સજા

 

આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે ગુજરાતભરમાં ઘણાં વર્ષોથી આદિવાસી સમાજ સાથે ભયંકર અન્યાય થયો. આવા સમયમાં આદિવાસી સમાજના આશા ના કિરણ તરીકે ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે આવ્યા. આદિવાસી સમાજના નાના મોટા તમામ પ્રશ્નોમાં તે લડત આપે છે. બિરસા મુંડાના વંશજ ચૈતર વસાવા સરકાર સામે ઝુક્યા નહિ અને ખોટા ફરિયાદી ઉભા કરી તેની સામે કેસ કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપે ચૈતર વસાવાને જેલ માં નાખ્યા છતાં આદિવાસી સમાજની આશા ચૈતર વસાવા સામે હતી.ચૈતર વસાવા જ કેમ ? કેમ કે તે ડરતા નથી.આજે આદિવાસી સમાજ નારાજ થયો છે, દુખી થયો છે. ભાજપે આદિવાસી સમાજને દબાવવાનો પ્રયાસ કર્યો છે તેનો જવાબ આમ આદમી પાર્ટી આપશે, આદિવાસી સમાજ આપશે.તેમણે આરોપ લગાવ્યો કે ચૈતર વસાવાને પાર્ટી બદલવા માટે કહેવામાં આવ્યું હતું. જો પાર્ટી બદલી હોત તો આ ન થયું હોત. સરકારી મશીનરીના દુરુપયોગ થકી ચૈતર વસાવા સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમારી હાઈકોર્ટની વકીલ ટીમ, સુપ્રિમ કોર્ટની વકીલની ટીમ સક્રિય છે. ન્યાયિક તમામ પગલાં અમે ભરીશું. હજારો ગુનેગારો છે પણ સજા માત્ર ચૈતર વસાવા ને જ.ભાજપ સામે નહિ ઝુકવાની આ સજા છે.

 

ચૈતર વસાવા સામે 19 જેટલા ગંભીર ગુના હોવાનો ભાજપનો આરોપ

 

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા વન કર્મી પર કરાયેલા હુમલાના પ્રકરણમાં કોર્ટે તેમને ૭ વર્ષની આકરી સજા ફટકારતા વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ચૈતર વસાવા અને તેમના સાગરીતોએ કરેલો આ ગુનો અત્યંત ગંભીર હતો અને કાયદાએ તેમને યોગ્ય સજા આપી છે. ધવલ પટેલે આકરા પ્રહારો કરતા ઉમેર્યું કે ચૈતર વસાવા અગાઉ પણ આવા 19 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે અને તેઓ તેમના આકા અરવિંદ કેજરીવાલના નકશેકદમ પર ચાલી રહ્યા છે. ચૈતર વસાવાને મળેલી આ કડક સજાને આવકારતા સાંસદે સ્પષ્ટ કર્યું કે તેઓ કોર્ટ અને દેશના કાયદાનું સંપૂર્ણ સન્માન કરે છે અને આવા ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જ જોઈએ જેથી સમાજમાં યોગ્ય સંદેશ જાય.

 

ભરૂચ અને નર્મદાના રાજકારણમાં ખળભળાટ

 

લોકપ્રતિનિધિત્વ કાયદા મુજબ જો કોઈ ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુ સમયની સજા થાય, તો તેમનું ધારાસભ્ય પદ જોખમમાં મુકાઈ જાય છે. આ ચુકાદાને પગલે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થવાની પૂરેપૂરી સંભાવના છે, જેના કારણે ભરૂચ અને નર્મદા સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટી માટે આ એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. હવે ચૈતર વસાવાની કાનૂની ટીમ આ ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટના દરવાજા ખખડાવે છે કે કેમ, તેના પર સૌની નજર મંડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *