અયોધ્યા આક્રોશ: રામ મંદિર દાન ચોરી કેસમાં SITનો મોટો ધડાકો, ગૃહ સચિવને સોંપાયો ગુપ્ત રિપોર્ટ!

Spread the love

અયોધ્યા રામ મંદિરમાં દાન અને પ્રસાદની રકમની ચોરીના ચકચારી મામલે સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ પોતાનો (Ram Mandir Theft Case) પ્રથમ મહત્વનો રિપોર્ટ અધિક મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદને સુપરત કરી દીધો છે. આ પ્રારંભિક અહેવાલ બાદ હવે આ સમગ્ર કૌભાંડમાં ટૂંક સમયમાં જ કોઈ મોટો ખુલાસો થાય અને જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં લેવાય તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.રામ મંદિરમાં દાન ચોરીની ઘટના સામે આવ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક એક્શન મોડમાં આવીને રાજ્યના ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓની એક ખાસ SIT ટીમ બનાવી હતી. આ ટીમને એક અઠવાડિયામાં પ્રાથમિક અને ૧5 દિવસમાં અંતિમ અહેવાલ આપવાનો આદેશ કરાયો હતો. આ અંગે SIT ના સભ્ય વિજય વિશ્વાસ પંતે જણાવ્યું કે, “અમે અમારો પ્રારંભિક રિપોર્ટ ગૃહ વિભાગને સોંપી દીધો છે. તપાસના તારણો અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત હોવાથી આ તબક્કે તેની વિગતો જાહેર કરી શકાય તેમ નથી.”

 

બેંક સ્ટાફ અને ટ્રસ્ટના સભ્યો પણ શંકાના દાયરામાં

આ મામલે સચોટ પુરાવા એકત્ર કરવા માટે SIT દ્વારા વ્યાપક સ્તરે તપાસ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને દાન અને પ્રસાદની રકમની ગણતરી માટે જવાબદાર કર્મચારીઓ, રામ મંદિર ટ્રસ્ટના ચોક્કસ સભ્યો અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના સ્ટાફની ભૂમિકાની પણ ઝીણવટભરી તપાસ થઈ રહી છે. અહેવાલમાં કોને-કોને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે તેના પરથી ટૂંક સમયમાં જ પડદો ઊંચકાશે.

 

CCTV ફૂટેજથી ખુલાસો: ચોરી કરવા શૌચાલયના માર્ગનો ઉપયોગ કરાયો!

આ તપાસ દરમિયાન મંદિર પરિસરના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. એવો આરોપ છે કે કેટલાક કર્મચારીઓ જ્યારે દાન-પ્રસાદની રોકડ રકમ ગણવા બેસતા હતા ત્યારે તેમાંથી પૈસા સેરવી લેતા હતા. આ ચોરી કરેલી રોકડ રકમને પરિસરની બહાર તસ્કરી કરવા માટે કર્મચારીઓ શૌચાલયના માર્ગનો ઉપયોગ કરતા હોવાનું પણ કેમેરામાં કેદ થયું છે.

 

સુરક્ષા પ્રોટોકોલમાં ગંભીર ખામીઓ આવી સામે

SIT ની પ્રાથમિક તપાસમાં નાણાંની ગણતરી માટેના સ્થાપિત સરકારી પ્રોટોકોલ અને સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામીઓ હોવાનું સપાટી પર આવ્યું છે. નિયમ મુજબ ગણતરી વખતે કર્મચારીઓએ ખાસ નિયુક્ત ગણવેશ (યુનિફોર્મ) પહેરવો ફરજિયાત હતો, જેનું પાલન થતું નહોતું. આ ઉપરાંત, કર્મચારીઓ જ્યારે ગણતરી રૂમ કે મંદિર પરિસરમાંથી બહાર નીકળતા ત્યારે તેમની જે સુરક્ષા તપાસ (ફ્રિસ્કિંગ) થવી જોઈએ, તેમાં પણ મોટી બેદરકારી રાખવામાં આવતી હતી જેને કારણે આ ચોરીને અંજામ આપવો સરળ બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *