ગુજરાતના (Gujarat) રાજકારણ અને કાયદાકીય ક્ષેત્રમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફોરેસ્ટ કર્મચારી (Forest Employee) પર હુમલો કરવાના ચકચારી કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને (Chaitar Vasava) નર્મદા જિલ્લા કોર્ટે (Narmada District Court) દોષિત ઠેરવ્યા છે. સેશન્સ કોર્ટે (Sessions Court) આ મામલે આકરૂં વલણ અપનાવતા ધારાસભ્યને 7 વર્ષની સખત જેલની સજા અને 96 હજાર રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે.કોર્ટ દ્વારા સજાની જાહેરાત કરાયા બાદ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ચૈતર વસાવા હવે જેલમાં પાકા કામના કેદી તરીકે રહેશે. આ કેસમાં ધારાસભ્ય સહિત તમામ 9 આરોપીઓને પણ કોર્ટે ગુનેગાર માન્યા છે. ચુકાદો આવ્યા બાદ તુરંત જ તમામ નવ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ અપાયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામને વડોદરા સેન્ટ્રલ જેલમાં (Vadodara Central Jail) મોકલી દેવામાં આવ્યા છે.
સજા પર ધારાસભ્ય ચૈતર વસાવાનું મોટું નિવેદન
બીજી તરફ, સાત વર્ષની જેલની સજા ફટકારાયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાનું સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “સેશન્સ કોર્ટે મને એક કેસમાં 7 વર્ષની સજા સંભળાવી છે. અમે ભારતના સંવિધાન અને નામદાર કોર્ટના ચુકાદાનો સંપૂર્ણ આદર (Respect) કરીએ છીએ.” જો કે, આ ચુકાદાને પગલે તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
હાઇકોર્ટના દ્વાર ખખડાવશે બચાવ પક્ષના વકીલ
સેશન્સ કોર્ટના આ આકરા આદેશ સામે ચૈતર વસાવાના વકીલે (Lawyer) હાઇકોર્ટમાં (High Court) જવાની સ્પષ્ટ જાહેરાત કરી છે. વકીલે જણાવ્યું કે તેઓ આ ચુકાદાથી સંતુષ્ટ નથી અને ન્યાય મેળવવા માટે ઉપલી અદાલતમાં અપીલ કરશે. કાયદાકીય જોગવાઈઓ મુજબ સેશન્સ કોર્ટના ચુકાદા સામે 1 મહિનાની અંદર જ હાઇકોર્ટમાં સત્તાવાર અપીલ (Appeal) દાખલ કરવી પડતી હોય છે, જેથી બચાવ પક્ષે અત્યારથી જ તેની કાનૂની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
