‘હું નીચે નમું એટલે ધક્કો મારી દેજે…’: કેતનની હત્યા માટે મંગેતર સિયાએ રાખ્યો હતો કોડવર્ડ! ખતરનાક પ્લાનનો થયો ખુલાસો

Spread the love

મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ તરીકે ઓળખાતી એક પ્રેમકથાનો અંત ભયાનક હત્યાકાંડમાં થયો છે. યુવા બિઝનેસમેન કેતન અગ્રવાલની લોહગઢ કિલ્લા નજીક ખાઈમાં પડી જવાથી થયેલા મોતને શરૂઆતમાં અકસ્માત માનવામાં આવી રહ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં સામે આવેલી હકીકતે સૌને ચોંકાવી દીધા છે. આ કેસમાં કેતનની જ મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ મળીને ખૂબ જ આયોજનબદ્ધ રીતે હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ હત્યાને અકસ્માતનો આકાર આપવા માટે પહેલાથી જ સંપૂર્ણ પ્લાન તૈયાર કર્યો હતો. બંને વચ્ચે એક ગુપ્ત કોડવર્ડ પણ નક્કી કરવામાં આવ્યો હતો. પ્લાન મુજબ, જ્યારે સિયા નીચે બેસીને સંકેત કરશે ત્યારે ચેતન પાછળથી આવી કેતનને ખાઈમાં ધક્કો મારી દેશે. તપાસ દરમિયાન મળેલા પુરાવા, CCTV ફૂટેજ અને ટેક્નિકલ માહિતીના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી છે.તપાસમાં સામે આવ્યું છે કે 18 જૂનના રોજ સિયા ગોયલ કેતનને ફરવાના બહાને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ હતી. ત્યાં અગાઉથી જ તેનો પ્રેમી ચેતન ચૌધરી હાજર હતો. બંનેએ પહેલેથી નક્કી કરેલા પ્લાન મુજબ એક સુમસામ સ્થળ પસંદ કર્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિયાએ નીચે બેસીને સંકેત આપતા જ ચેતન પાછળથી દોડી આવ્યો અને કેતનને ઊંડી ખાઈમાં ધક્કો મારી દીધો. ઘટના બાદ સિયાએ બૂમાબૂમ કરીને તેને અકસ્માત હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો, જેથી કોઈને હત્યાની શંકા ન જાય.પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આરોપીઓએ 18 જૂન પહેલાં પણ કેતનની હત્યાનો પ્રયાસ કર્યો હતો. 14 જૂને પણ સિયાએ કેતનને ખાઈ તરફ ધકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે કેતન એક ઝાડ પકડી લેતાં તેનો જીવ બચી ગયો હતો. આ પહેલાં પણ 31 મેના રોજ સિયા કેતનને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ હતી અને હત્યાનું સ્થળ તથા સમગ્ર પ્લાનિંગ કર્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. પ્રથમ પ્રયાસ નિષ્ફળ જતાં આરોપીઓએ વધુ સચોટ આયોજન કરીને બીજી વખત ઘટનાને અંજામ આપ્યો હતો.

 

લોકેશન ટ્રેકિંગથી બચવા અપનાવી ચાલાકી

 

પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ચેતન ચૌધરીએ ખાસ યોજના બનાવી હતી. તેણે પોતાનો મોબાઇલ ફોન પોતાની દુકાને જ રાખી દીધો હતો જેથી પોલીસ તેનું લોકેશન ટ્રેક ન કરી શકે. તે પોતાના એક કર્મચારીનો મોબાઇલ ફોન લઈને લોહગઢ ગયો હતો. જોકે, કિલ્લાના પ્રવેશદ્વાર પાસે લાગેલા CCTV કેમેરામાં ચેતન હુડી અને શોર્ટ્સ પહેરીને સિયા અને કેતનનો પીછો કરતો સ્પષ્ટ દેખાઈ ગયો હતો. વીડિયોમાં સિયા પાછળ વળીને જોતી હોય ત્યારે ચેતન છુપાઈ જતો હોવાનું પણ નોંધાયું છે. આ ફૂટેજ પોલીસે તપાસમાં મહત્વનો પુરાવો બન્યો છે.પોલીસના જણાવ્યા અનુસાર સિયા ગોયલ બેકરીનો વ્યવસાય કરે છે, જ્યારે ચેતન ચૌધરી ડ્રાયફ્રૂટ્સનો વેપારી છે. બંનેની ઓળખ એક બિઝનેસ મીટિંગ દરમિયાન થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બીજી તરફ, પરિવારના દબાણને કારણે સિયાની સગાઈ કેતન અગ્રવાલ સાથે થઈ હતી. તપાસમાં સામે આવ્યું છે કે સિયા આ લગ્ન કરવા માનસિક રીતે તૈયાર નહોતી. તેણે લગ્ન એક વર્ષ માટે મુલતવી રાખવાની પણ વાત કરી હતી. બીજી તરફ ચેતન કેતનને પોતાના સંબંધમાં અવરોધ માનતો હોવાથી બંનેએ મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

 

પરિવારે ઝડપી ટ્રાયલ અને કડક સજાની કરી માંગ

 

આ સમગ્ર ઘટનાથી કેતનનો પરિવાર આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર કેતન અને સિયાના ખુશનુમા પળોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈ લોકો પણ સ્તબ્ધ બની ગયા છે. કેતનના પિતાએ જણાવ્યું કે પરિવારે પોતાનો એકમાત્ર દીકરો ગુમાવ્યો છે. તેમણે સરકાર અને ન્યાયતંત્ર સમક્ષ માંગ કરી છે કે આ કેસની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરવામાં આવે અને દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે, જેથી પીડિત પરિવારને ન્યાય મળી શકે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે અને હત્યાના સમગ્ર કાવતરાને લગતા તમામ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *