શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિશ્વાસઘાત અને દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘોડાસરમાં રહેતી 33 વર્ષીય પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહીં, આરોપીએ મહિલાને તેના 5 વર્ષના માસૂમ પુત્ર સાથે સ્વીકારવાની ખાતરી આપીને તેના પતિ સાથે છૂટાછેડા પણ કરાવી દીધા હતા અને બાદમાં તેને તરછોડીને નાસી છૂટ્યો હતો.આ મામલે પીડિતાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પ્રેમી સાહીલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, અગાઉ આયુર્વેદિક થેરાપિસ્ટ તરીકે નોકરી કરતી આ મહિલાના લગ્ન બાદ વસ્ત્રાલ ખાતે રહેતી હતી. જોકે, પતિ સાથે અવારનવાર ઝઘડા થતા હોવાને કારણે તે માનસિક રીતે પરેશાન હતી. આ દરમિયાન વસ્ત્રાલમાં ખાનગી કંપનીનું સર્વિસ સેન્ટર ચલાવતા સાહીલ પટેલ સાથે મહિલાનો સંપર્ક થયો હતો. સમય જતાં બંને વચ્ચે મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી હતી. સાહીલે મહિલાને તેના પુત્ર સાથે અપનાવવાનું વચન આપીને પતિ પાસેથી વહેલી તકે છૂટાછેડા લઈ લેવા માટે સતત દબાણ કર્યું હતું.
પ્રેમસંબંધ દરમિયાન આરોપી સાહીલ મહિલાને લલચાવી-ફોસલાવીને ગાંધીનગર તેમજ દ્વારકા સહિતની અલગ-અલગ હોટલોમાં લઈ ગયો હતો, જ્યાં તેણે મહિલાની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. સાહીલના પ્રેમમાં અંધ બનેલી મહિલાએ તેની વાતોમાં આવીને ગત જાન્યુઆરી 2026માં ઘી-કાંટા કોર્ટમાં પોતાના પતિ વિરુદ્ધ છૂટાછેડાની અરજી પણ કરી દીધી હતી. ત્યાર બાદ સાહીલ અને મહિલા ઘોડાસર વિસ્તારમાં એક ભાડાનું મકાન રાખીને પતિ-પત્નીની જેમ લીવ-ઇન રિલેશનશિપમાં સાથે રહેવા લાગ્યા હતા.
જોકે, થોડા સમય બાદ સાહીલનો અસલી ચહેરો સામે આવ્યો હતો અને તેણે મહિલાના ચારિત્ર્ય પર શંકા રાખીને અવારનવાર ઝઘડા શરૂ કર્યા હતા. ગત 12 જૂને મહિલાના ભાઈની સગાઈ હોવાથી તેણે મહારાષ્ટ્રના પુણે ખાતે જવાનું કહેતા જ સાહીલ ઉશ્કેરાઈ ગયો હતો અને ભારે ઝઘડો કરીને તે જ રાત્રે ઘર છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેણે મહિલાને મેસેજ અને ફોન કરીને સાફ શબ્દોમાં કહી દીધું હતું કે, “મારે હવે તારી સાથે નથી રહેવું અને લગ્ન પણ કરવા નથી, તારો સામાન લઈને અહીંથી જતી રહે.”
અચાનક આવી પડેલી આફત બાદ પીડિત મહિલાએ તેના પ્રેમી સાહીલને સમજાવવાના અને મનાવવાના અસંખ્ય પ્રયાસો કર્યા હતા, પરંતુ સાહીલ પોતાની જીદ પર અડગ રહ્યો હતો. આખરે પિયર અને સાસરી બંને પક્ષેથી તરછોડાયેલી અસહાય મહિલાએ હિંમત ભેગી કરીને પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. ઇસનપુર પોલીસે પીડિતાની આપવીતીના આધારે આરોપી સાહીલ પટેલ વિરુદ્ધ દુષ્કર્મ (રેપ) સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
