1000 પતિ રાખી શકું છું કહેનાર પત્નીની હત્યા કરનાર પતિની સજા હાઇકોર્ટે ઘટાડી

Spread the love

મધ્યપ્રદેશ હાઈકોર્ટે પત્નીની હત્યાના એક કેસમાં પતિની સજામાં મોટો ઘટાડો કર્યો છે, ‘હું તારા જેવા 1000 પતિ રાખી શકું છું’ તેવી પત્નીની ટિપ્પણીને ગંભીર ઉશ્કેરણી ગણીને ટ્રાયલ કોર્ટના આજીવન કેદના ચુકાદાને બદલીને સાત વર્ષની સજામાં ફેરવી છે. જસ્ટિસ વિવેક અગ્રવાલ અને જસ્ટિસ અનનિન્દ્ર કુમાર સિંહની બેંચે અવલોકન કર્યું હતું કે આવી ટિપ્પણી પતિના અસ્તિત્વ અને સન્માન પર પ્રહાર સમાન છે, જેના કારણે પતિએ પોતાનો આપો ગુમાવ્યો હતો.આ ઘટના મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના ચૌરાઈ વિસ્તારની છે. 18-19 જુલાઈની રાત્રે કુલ્બહેરી નદીના ખર્રા ઘાટ પાસે શિવા અને તેની પત્ની કિરણ વચ્ચે ઝઘડો થયો હતો. આરોપ મુજબ, ઝઘડા દરમિયાન કિરણના કટાક્ષથી ઉશ્કેરાઈને શિવાએ પથ્થર મારીને તેની હત્યા કરી દીધી હતી. ઘટના બાદ શિવાએ પોતે જ પોલીસ અને પત્નીના પરિવારજનોને ફોન કરીને હત્યાની જાણ કરી હતી. શિવાના વકીલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તેમની વિરુદ્ધના પુરાવા વિશ્વસનીય નથી અને પુરાવાઓમાં વિરોધાભાસ છે, તેથી ટ્રાયલ કોર્ટનો નિર્ણય રદ કરવો જોઈએ.

 

હાઈકોર્ટની ડિવિઝન બેંચે સ્વીકાર્યું કે શિવાએ જ પત્નીને ઈજા પહોંચાડી હતી, જેનાથી તેનું મૃત્યુ થયું, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ ઘટના અચાનક થયેલા ઝઘડાનું પરિણામ હતું. ક્યાંયથી પણ એવું સાબિત થતું નથી કે આરોપી પૂર્વ આયોજિત હત્યા કરવાના ઈરાદે ત્યાં ગયો હતો. કોર્ટે એ બાબત પર પણ ખાસ નોંધ લીધી કે આરોપીએ ઘટના બાદ તરત જ પોલીસ અને પરિવારને જાણ કરી હતી, જે સાબિત કરે છે કે તે ભાગી છૂટવાના પ્રયાસમાં નહોતો. પત્નીની ટિપ્પણીને કોર્ટે ‘ગંભીર અને અચાનક ઉશ્કેરણી’ તરીકે ગણાવી હતી.

 

હાઈકોર્ટની બેંચે વધુમાં જણાવ્યું હતું કે જો આરોપીનો ઈરાદો પત્નીને મારવાનો જ હોત, તો તે ગુનો કર્યા બાદ ચોક્કસપણે ફરાર થઈ ગયો હોત. આ કેસમાં કોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો સંદર્ભ પણ આપ્યો હતો, જે મુજબ જો કોઈ વ્યક્તિ અચાનક ઉશ્કેરાટમાં આવીને પોતાની જાત પરથી નિયંત્રણ ગુમાવી બેસે, તો તેના ગુનાનું મૂલ્યાંકન તે જ પરિસ્થિતિના આધારે થવું જોઈએ. આ તર્કને આધારે કોર્ટે આરોપીની સજામાં રાહત આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *