ઘોર બેદરકારી: વડોદરામાં ચાલુ વીજ લાઈને કામ કરતા શ્રમિકને કરંટ લાગ્યો, મિનિટો સુધી થાંભલે લટકતો રહ્યો યુવક

Spread the love

વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ના કોન્ટ્રાક્ટરની માનવજિંદગી સાથે ચેડાં કરતી ઘોર બેદરકારીનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોનારકુઈ પાસે ચાલુ વીજ લાઈને કામ કરવા માટે થાંભલા પર ચડેલા એક શ્રમિકને અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાના કારણે આ લાચાર શ્રમિક કેટલીક મિનિટો સુધી વીજળીના થાંભલા પર જ અસહાય હાલતમાં લટકતો રહ્યો હતો, જેને જોઈને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાની વિગતો મુજબ, મોતના લાઈવ દ્રશ્યો સમાન આ દિલધડક ઘટના સોનારકુઈ પાસે ઘટી હતી. શ્રમિક થાંભલે લટકતો હોવાનું જોઈને આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ત્યારબાદ બે વ્યક્તિઓએ પોતાના જીવનું જોખમ ખેડીને ભારે જહેમત બાદ શ્રમિકને વીજ થાંભલા પરથી હેમખેમ નીચે ઉતાર્યો હતો અને તેનો આબાદ બચાવ કર્યો હતો. જો આ બંને વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને તેને ન બચાવ્યો હોત, તો મોટી હોનારત સર્જાઈ શકી હોત.

 

વીજ કરંટનો ભોગ બનેલા આ કમનસીબ શ્રમિકની ઓળખ નિલેશભાઈ રમણભાઈ સંગાડા તરીકે થઈ છે. થાંભલા પરથી નીચે ઉતાર્યા બાદ લોહીલુહાણ અને ગંભીર હાલતમાં નિલેશભાઈને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તબીબો દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે શ્રમિકના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તેમનામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

 

આ સમગ્ર ઘટનામાં MGVCLના સ્થાનિક કોન્ટ્રાક્ટરની લાપરવાહી સ્પષ્ટપણે સપાટી પર આવી છે. નિયમ મુજબ જ્યારે પણ વીજ થાંભલા પર કોઈ સમારકામ કે નવું કામ કરવાનું હોય, ત્યારે લાઈનનો પાવર સપ્લાય (કાપ) બંધ કરવો અનિવાર્ય હોય છે. પરંતુ અહીં કોન્ટ્રાક્ટરે શ્રમિકની સુરક્ષાના સાધનો કે લાઈન બંધ કરાવવાની તસ્દી લીધા વિના જ તેને ચાલુ લાઈને કામ કરવા માટે મોકલી દીધો હતો, જેના કારણે આ નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમમાં મૂકાયો હતો.

 

સ્થાનિક રહીશો અને શ્રમિક સંગઠનો હવે એ જ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ ઘટનામાં શ્રમિકનો જીવ ગયો હોત, તો તેનો જવાબદાર કોણ? શું તંત્ર દ્વારા આવા ગુનાહિત બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટરો સામે કોઈ કડક કાનૂની પગલાં લેવામાં આવશે ખરા? હાલ તો આ ચકચારી ઘટના સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે અને લોકો MGVCL ના ઉચ્ચ અધિકારીઓ પાસે આ મામલે તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે કડક સજાની માંગ કરી રહ્યા છે.

 

રાપરમાં બિલ્ડિંગ તોડવાની કામગીરી દરમિયાન વીજપોલ ધરાશાયી

 

નોંધનીય છે કે, કચ્છ રાપરના બજાર વિસ્તારમાં બિલ્ડિંગ તોડવાની કામગીરી દરમિયાન ચાલુ વીજલાઈનનો પોલ અચાનક ધરાશાયી થઈ ત્યાંથી પસાર થઈ રહેલી રિક્ષા પર પડ્યો હતો. જોકે રિક્ષાચાલક સમયસર વાહનમાંથી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે બિલ્ડિંગ તોડવાની કામગીરી પહેલાં PGVCLને જાણ કરવામાં આવી ન હતી. ઘટનાની જાણ થતાં PGVCLની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *