મહેસાણા જિલ્લાના કોંગ્રેસના રાજકારણમાં મહત્વપૂર્ણ ગણાય તેવો ફેરફાર સામે આવ્યો છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય (Former MLA) બળદેવજી ઠાકોરે (Baldevji Thakor)સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાના સંકેત આપતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે.
બળદેવજી ઠાકોરે જણાવ્યું કે છેલ્લા લગભગ 35 વર્ષથી તેઓ જાહેર જીવન અને રાજકારણમાં સક્રિય રહ્યા છે.આ લાંબી સફર દરમિયાન તેમને કાર્યકરો અને જનતાનો સતત સહકાર મળ્યો છે, જેના માટે તેમણે સૌનો આભાર વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું કે હવે સમય બદલાઈ રહ્યો છે અને નવી પેઢીને નેતૃત્વની તક મળવી જોઈએ. યુવાનોને આગળ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ સક્રિય રાજકારણથી દૂર રહી શકે છે, પરંતુ સંગઠન અને કાર્યકરો માટે માર્ગદર્શક તરીકે પોતાની ભૂમિકા નિભાવતા રહેશે.
બળદેવજી ઠાકોર (Baldevji Thakor)ના આ નિવેદન બાદ મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં આગામી નેતૃત્વને લઈને ચર્ચાઓ તેજ બની છે. જોકે, તેમણે પોતાના રાજકીય ભવિષ્ય અંગે કોઈ અંતિમ અથવા સત્તાવાર જાહેરાત કરી નથી.
રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે જો બળદેવજી ઠાકોર સક્રિય રાજકારણમાંથી દૂર રહેવાનો નિર્ણય લે છે, તો તેનો મહેસાણા (Mehsana)જિલ્લા કોંગ્રેસના સંગઠન પર નોંધપાત્ર પ્રભાવ પડી શકે છે.
