કચ્છના ગઠિયાએ અમદાવાદની વિધવાને પ્રેમજાળમાં ફસાવી સર્વસ્વ લૂંટી લીધું, કોર્ટમાં લગ્નના બહાને બોલાવી પોતે જ ગાયબ!

Spread the love

સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા લોકો સાથે દોસ્તી કરવી અમદાવાદની એક વિધવા મહિલાને ભારે પડી છે. ફેસબુક પર પરિચયમાં આવેલા કચ્છના એક ગઠિયાએ મહિલાને લગ્નની લાલચ આપી, વારંવાર શારીરિક સંબંધ બાંધીને રૂ. 19.91 લાખની રોકડ અને 18 તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા. આ મામલે ભોગ બનનાર મહિલાએ આરોપી વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.ફેસબુક મારફતે મહિલાનો સંપર્ક કચ્છના રાહુલ પટેલ સાથે થયો

 

મળતી માહિતી મુજબ, શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી પીડિત મહિલાના પતિનું ત્રણેક વર્ષ પહેલાં બીમારીના કારણે અવસાન થયું હતું અને તે પોતાના બે પુત્રો સાથે રહે છે. આશરે સાત મહિના પહેલાં ફેસબુક મારફતે મહિલાનો સંપર્ક કચ્છના રાહુલ પટેલ સાથે થયો હતો. રાહુલે પોતાનો પરિચય આપતા જણાવ્યું હતું કે તે તેના ભાઈ પિયુષ સાથે ‘એબી બિલ્ડકોન’ નામની કંપનીમાં ભાગીદારીમાં ધંધો કરે છે.

 

રાહુલે ધંધાના બહાને મહિલા પાસેથી ટુકડે-ટુકડે રૂ. 5.16 લાખ પડાવ્યા

 

પત્ની છેલ્લા બે વર્ષથી તેની સાથે રહેતી ન હોઈ, તે તેને છૂટાછેડા આપીને મહિલા સાથે લગ્ન કરશે તેવી ખાતરી આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ રાહુલે ધંધાના બહાને મહિલા પાસેથી ટુકડે-ટુકડે રૂ. 5.16 લાખ પડાવ્યા હતા. આ દરમિયાન મહિલાનું 18 તોલા સોનું બેંકમાં હતું, જે છોડાવવા માટે મહિલા જ્યારે અમદાવાદ આવી ત્યારે રાહુલે હોટલમાં લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

 

મહિલાને લગ્ન કરવા માટે ઘીકાંટા કોર્ટમાં બોલાવી પોતે ભાગી છૂટ્યો

 

આરોપીએ બેંકમાંથી છોડાવેલું સોનું પોતાની પાસે રાખી લીધું હતું. એટલું જ નહીં, રાહુલે મહિલાના ક્રેડિટ કાર્ડ પર તેની જાણ બહાર રૂ. 1 લાખની લોન પણ લઈ લીધી હતી. મહિલાએ દાગીના પાછા માંગતા રાહુલે તે કચ્છમાં ભાઈ પિયુષના લોકરમાં હોવાનું કહી ગલ્લાતલ્લા કર્યા હતા. છેતરપિંડીની હદ ત્યારે થઈ જ્યારે રાહુલે મહિલાને લગ્ન કરવા માટે ઘીકાંટા કોર્ટમાં બોલાવી પોતે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

 

સોનું ગીરવે મૂકીને તેના પર રૂ. 16.50 લાખની લોન લઈ લીધી

 

આખરે મહિલાએ કડક ઉઘરાણી કરતાં રાહુલે તેના ભાઈ પિયુષ સાથે વાત કરાવી હતી, જેણે સોનું પરત આપવાની ખાતરી આપી હતી. જોકે, બાદમાં મહિલાને ખબર પડી કે બંને ભાઈઓએ આ સોનું ગીરવે મૂકીને તેના પર રૂ. 16.50 લાખની લોન લઈ લીધી છે. આમ, લગ્નની ખોટી લાલચ આપી કુલ રૂ. 19.91 લાખની રોકડ અને 18 તોલા સોનું પડાવી વિશ્વાસઘાત આચરનારા બંને આરોપી ભાઈઓ વિરુદ્ધ નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *