ગુજરાત મેડિકલ કાઉન્સિલની મોટી કાર્યવાહી: 3 સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર 13 મહિના માટે સસ્પેન્ડ, જાણો કારણ

Spread the love
ગુજરાત મેડિકલ કાઉન્સિલ (Gujarat Medical Council)એ મેડિકલ વ્યવસાયમાં આચારસંહિતાના નિયમોના ભંગના મામલે રાજ્યના ત્રણ જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો સામે કડક કાર્યવાહી કરી છે. કાઉન્સિલે ત્રણેય ડૉક્ટરોનું મેડિકલ રજિસ્ટ્રેશન 13 મહિના માટે સ્થગિત (સસ્પેન્ડ) કરવાનો નિર્ણય લીધો છે.સસ્પેન્ડ કરાયેલા ડૉક્ટરોમાં સુરતના ડૉ. જગદીશકુમાર સખિયા (Dr. Jagdishkumar Sakhia), ડૉ. અમી શાહ (Dr. Ami Shah) અને અમદાવાદના ડૉ. ગીતા પટેલ (Dr. Geeta Patel)નો સમાવેશ થાય છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે (Gujarat Medical Council) મેડિકલ એથિક્સના નિયમોના ઉલ્લંઘનના આધારે આ કાર્યવાહી અમલમાં મૂકી છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, વર્ષ 2014 અને 2024 દરમિયાન પેરિસમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેડિકલ પરિષદમાં ભાગ લેવા માટે ત્રણેય ડૉક્ટરો વિદેશ ગયા હતા. આ પ્રવાસ દરમિયાન મુસાફરી, રહેવાની વ્યવસ્થા અને ભોજન સહિતનો સમગ્ર ખર્ચ AbbVie Healthcare India Private Limited નામની બાયોટેક કંપનીએ ઉઠાવ્યો હતો.
ગુજરાત મેડિકલ કાઉન્સિલ (Gujarat Medical Council)ના નિયમો અનુસાર, કોઈપણ ફાર્માસ્યુટિકલ અથવા બાયોટેક કંપની પાસેથી વિદેશ પ્રવાસ, ભેટ, આર્થિક સહાય અથવા અન્ય લાભ સ્વીકારવો વ્યાવસાયિક આચારસંહિતાનો ભંગ ગણાય છે. આ જ કારણસર કાઉન્સિલે ત્રણેય ડૉક્ટરો સામે શિસ્તભંગની કાર્યવાહી કરી છે.
13 મહિના સુધી નહીં કરી શકે પ્રેક્ટિસ
કાઉન્સિલના નિર્ણય અનુસાર આગામી 13 મહિના સુધી ત્રણેય ડૉક્ટરો મેડિકલ પ્રેક્ટિસ કરી શકશે નહીં. આ સમયગાળા દરમિયાન તેઓ ડૉક્ટર તરીકે કોઈપણ પ્રકારની વ્યાવસાયિક સેવા આપી શકશે નહીં તેમજ મેડિકલ રજિસ્ટ્રેશન સાથે જોડાયેલા અધિકારોનો ઉપયોગ પણ કરી શકશે નહીં. જો કે, સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થયા બાદ નિયમો મુજબ ફરીથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓ મેડિકલ પ્રેક્ટિસ ફરી શરૂ કરી શકશે.
મેડિકલ એથિક્સ પર કડક સંદેશ
ગુજરાત મેડિકલ કાઉન્સિલ (Gujarat Medical Council)ની આ કાર્યવાહી મેડિકલ ક્ષેત્રમાં પારદર્શિતા અને વ્યાવસાયિક આચારસંહિતાના પાલનને લઈને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છે કે ડૉક્ટરો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો આવા કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *