સુરતમાં ભૂતિયા ડિમોલિશન મામલે કાર્યવાહી: મનપાના પાંચ અધિકારીને કરાયા સસ્પેન્ડ

Spread the love
શહેરના બહુચર્ચાસ્પદ નાસિરનગર ડિમોલિશિમાં પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રચાયેલી ખાસ તપાસ સમિતિના અહેવાલના આધારે હવે મોટા ખાતાકીય પગલાં ભરવામાં આવ્યા છે. આ કેસની તપાસ સંપૂર્ણપણે તટસ્થ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા નાસિરનગર ડિમોલિશન કામગીરી સાથે જોડાયેલા પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ હેઠળ મૂકવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.મળતી માહિતી પ્રમાણે, સુરત મહાનગરપાલિકા ખાતે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ નાસિરનગર ખાતે તા. 30મી મેના રોજ મિલકતોના ડિમોલીશન કરવામાં આવ્યું હતુ. આ અન્વયે તપાસ કમિટિ નિમવામાં આવી હતી. સદર તપાસ કિંમટિના અહેવાલના આધારે સુરત મહાનગર પાલિકા દ્વારા ખાતાકીય તપાસ ચાલુ કરવામાં આવી હતી અને તપાસ તટસ્થ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે ઘ્યાને રાખી નીચે જણાવેલા પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે ફરજમોકુફી હેઠળ મુકવા અંગેના હુકમો કરવામાં આવ્યો છે.સુજલકુમાર ધરમશીભાઈ પ્રજાપતિ, કાર્યપાલક ઈજનેર (સિવિલ)
જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, કાર્યપાલક ઈજનેર (સિવિલ)
અર્પણ મનસુખલાલ પરમાર, ડે.ઈજનેર (સિવિલ)
મોનિક બાબુભાઈ ગઢીયા, આસી.ઈજનેર (સિવિલ)
નરેશકુમાર બીનલભાઈ ગલચર, જુની.ઈજનેર (સિવિલ)
હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી
નાસીરનગરમાં આવેલા 100થી વધુ પરિવારોના મકાનો પર કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વિના બુલડોઝર ફેરવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મનપાના વલણ પર સવાલ ઉઠાવી આકરી ઝાટકણી કાઢી હતી અને આગામી સોમવારે તમામ સંબંધિત દસ્તાવેજો સાથે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટની ટકોર બાદ મનપાએ અસરગ્રસ્ત પરિવારોના તાત્કાલિક વસવાટ માટે ભરીમાતા કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે. મનપાનું કહેવું છે કે અહીં રહેતા પરિવારોને લાઈટ, પાણી અને શૌચાલય સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે, કોમ્યુનિટી હોલમાં રહેવા પહોંચેલા અસરગ્રસ્ત પરિવારો દ્વારા અનેક અસુવિધાઓનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *