કામવાળીએ ફસાવ્યા, પુત્રએ બચાવ્યા! પૈસા પડાવવા દુષ્કર્મનું નાટક કરનારી મેડનો છૂપો વીડિયો ઉતારી જેલભેગી કરી

Spread the love

ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઓનલાઈન સર્વિસ એપ દ્વારા ઘરકામ માટે મેડ (કામવાળી) બોલાવવી એક પરિવારને(Online Maid Blackmail)ભારે પડી ગઈ છે. સફાઈ કામ માટે આવેલી મહિલાએ ઘરના 55 વર્ષીય પ્રોઢ પર બળાત્કારનો ખોટો આરોપ લગાવીને બ્લેકમેલિંગની ખતરનાક રમત રમી હતી.જોકે, પીડિત પરિવારની સમયસૂચકતાને કારણે આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો છે.

 

ઓનલાઈન એપની મેડનો ભયાનક ખેલ

આ ઘટના મંગળવાર, 30 જૂનની છે. દિલ્હીના કપાસહેડા વિસ્તારમાં રહેતી પૂજા ગિરી નામની મહિલા ગુરુગ્રામની એક પ્રતિષ્ઠિત ઓનલાઈન કંપની સાથે જોડાયેલી છે, જે એપ દ્વારા ઘરોમાં સફાઈની સેવાઓ પૂરી પાડે છે. મંગળવારે બપોરે આશરે 12.10 વાગ્યે પૂજાને એપ દ્વારા દ્વારકાના ‘ચિત્રકૂટ એપાર્ટમેન્ટ’માં સફાઈનું કામ મળ્યું હતું. આ ઘરમાં રહેતા ૫૫ વર્ષીય પ્રોઢ ગુરુગ્રામની એક ખાનગી કંપનીમાં કામ કરે છે અને તે સમયે તેઓ ઘરમાં એકલા હતા.

 

કામ પૂરું થતાં જ દુષ્કર્મનો ખોટો આરોપ લગાવ્યો

મહિલાએ ઘરમાં સફાઈનું કામ પૂરું કર્યું અને બહાર નીકળતા જ એક ખૌફનાક પ્લાન ઘડી કાઢ્યો. તેણે તરત જ પોલીસ હેલ્પલાઈન પર કોલ કરીને એવો ખોટો આરોપ લગાવ્યો કે જ્યારે તે કામ પૂરું કરીને જઈ રહી હતી, ત્યારે આ પ્રોઢે પાછળથી આવીને તેને પકડી લીધી અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું.

 

રૂપિયા 5 લાખની માંગણી અને બદનામીની ધમકી

પોલીસને ખોટો કોલ કર્યા બાદ પૂજા ગિરીએ અસલી ખેલ શરૂ કર્યો. તેણે પીડિત પ્રોઢના પુત્રનો સંપર્ક કર્યો અને ધમકી આપી કે જો તેને તરત જ 5 લાખ રૂપિયા નહીં આપવામાં આવે, તો તે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવીને આખા પરિવારને જેલમાં મોકલી દેશે અને સમાજમાં તેમની બદનામી કરશે.

 

પુત્રની સૂઝબૂઝથી મહિલાનો પર્દાફાશ

પ્રોઢનો પુત્ર આ ધમકીથી ડરવાને બદલે ખૂબ જ શાણપણથી કામ લીધું. તેણે પૂજા ગિરીને પૈસા આપવાના બહાને એક જગ્યાએ બોલાવી. જ્યારે પૂજા ડીલ મુજબ એડવાન્સ પેટે 2 લાખ રૂપિયા લઈ રહી હતી, ત્યારે પુત્રએ પોતાના મોબાઈલ ફોનમાં પૈસા માંગવાનો અને લેવાનો સમગ્ર વીડિયો ગુપ્ત રીતે રેકોર્ડ કરી લીધો. આ પુરાવો હાથમાં આવતા જ તેણે તરત જ પોલીસને બ્લેકમેલિંગની જાણ કરી.

 

પોલીસ તપાસમાં સત્ય બહાર આવ્યું, આરોપી મહિલા જેલભેગી

દ્વારકા સેક્ટર-23ની પોલીસે જ્યારે આ મામલાની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે મહિલાનો પીસીઆર કોલ સંપૂર્ણપણે ખોટો હતો અને તેનો એકમાત્ર હેતુ પરિવારને ડરાવીને મોટી રકમ પડાવવાનો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ મહિલા પહેલા પણ એકવાર આ ઘરમાં સફાઈ માટે આવી ચૂકી હતી. પોલીસે બુધવારે આરોપી મહિલા પૂજા ગિરીની ધરપકડ કરી લીધી છે અને તેની પાસેથી બ્લેકમેલિંગના 2 લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે. હાલ કોર્ટે આરોપી મહિલાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *