ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે જંત્રી ભૂલી જાવ! વીજ લાઇન પસાર થવા બદલ ખેડૂતોને બજાર ભાવના 200% ચૂકવાશે વળતર

Spread the love

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો સાથે ચર્ચા, વિચાર-વિમર્શ અને પરામર્શ કરીને તેમજ ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્વપૂર્ણ અને ઉદાર નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન અને વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે મોટો વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે.ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન કે પોલ નાખવા માટે અત્યાર સુધી ખેડૂતોને જંત્રીના બમણા દર (200%) લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. વિવિધ ખેડૂત સંગઠનો તરફથી મળેલી રજૂઆતોને ધ્યાને રાખીને મુખ્યમંત્રી દ્વારા મોટો સુધારો કરવામાં આવ્યો છે. હવે વળતર જંત્રી આધારિત નહીં, પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવ (Market Rate)ના બમણા ભાવ (200%) ચૂકવવાનો ખેડૂતલક્ષી નિર્ણય કરાયો છે.અત્યાર સુધી ખેતરમાં નંખાતા વીજ ટાવરના બેઝ (પાયા) વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતું હતું. હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે.

 

ઉદાહરણ તરીકે: 765 કે.વી. લાઇનમાં અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું, જેમાં હવેથી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરી તે મુજબ વધારીને 729 ચોરસ મીટર લેખે ચૂકવણી કરવામાં આવશેઅગાઉ જમીનમાલિકોને વળતરની રકમ ત્રણ તબક્કામાં ચૂકવાતી હતી (ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20%). હવે આ વ્યવસ્થા બદલીને જમીનમાલિકોને એકીસાથે અને શરૂઆતમાં જ 100% વળતર ચૂકવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એમ.આર.સી. (Market Rate Committee)ની રચના કરવામાં આવશે. આ સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની આ સમિતિમાં કલેક્ટર, જમીનમાલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમીશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ પણ સામેલ રહેશે.વીજ લાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે MRC દ્વારા નિર્ધારીત થયેલ બજાર કિંમતના આધારે વિસ્તાર મુજબ વળતર અપાશે:

 

ગ્રામ્ય વિસ્તારમાં: બજાર કિંમતના 30%

નગરપાલિકા વિસ્તારમાં: બજાર કિંમતના 45%

મહાનગરપાલિકા વિસ્તારમાં: બજાર કિંમતના 60% મુજબ વળતર ચૂકવાશે.

ચાલુ કામોને પણ મળશે લાભ

રાજ્ય સરકારે આ નિર્ણયમાં ઉદારતા દાખવતા સ્પષ્ટ કર્યું છે કે, જે ખેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય, પરંતુ વીજ લાઇનનું કામ હજી પ્રગતિમાં (ચાલુ) હોય, તેવા તમામ ખેડૂતોને પણ આ નવી નીતિનો લાભ મળવાપાત્ર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *