*ગાંધીનગર શહેર ભાજપા કાર્યાલય ‘શ્રી અટલ કમલમ‘ ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના ૧૨૫માં જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં કાર્યકર્તા સંમેલન યોજાયું*
*ભાજપાના પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવન કવન, ત્યાગ, સમર્પણ રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ અને રાષ્ટ્રીય એકતા માટેની તેમની પ્રતિબદ્ધતા અંગે વિગતવાર સંવાદ કર્યો*
——-
*ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના પાયામાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી જેવા મહાન રાષ્ટ્રપુરુષોના વિચારો અને બલિદાન સમાયેલાં છે*
*- શ્રી પ્રશાંતભાઈ વાળા*
——-
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના મજબૂત અને નિર્ણાયક નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની સક્રિય ભૂમિકા હેઠળ કાશ્મીર માથી કલમ ૩૭૦નું થયેલું નિર્મૂલન એ ડૉ. મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ છે*
*- શ્રી પ્રશાંતભાઈ વાળા*
——-
*ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ માટે આપેલ યોગદાન ભારતના ઇતિહાસમાં સદાય અવિસ્મરણીય રહેશે*
*- ડૉ. આશિષકુમાર દવે*
——-
*કાર્યકર્તાઓને ડૉ. મુખર્જીના આદર્શોને આત્મસાત કરીને સમર્પણ, સેવા અને સંગઠનભાવ સાથે અવિરતપણે કાર્યરત રહેવા હાકલ કરતા ડૉ. આશિષકુમાર દવે*
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ૨૦૨૬નું વર્ષ જનસંઘના સંસ્થાપક, મહાન ચિંતક અને પ્રખર રાષ્ટ્રવાદી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ડૉ. મુખર્જીના બલિદાન દિન ૨૩ જૂન થી તેઓની જન્મજયંતિ ૬ જુલાઈ દરમિયાન યોજાઈ રહેલા ભાજપાના ‘સ્મૃતિ પખવાડિયા‘ અંતર્ગત પ્રદેશ ભાજપાની કાર્યસૂચિ મુજબ ૩ જુલાઈ, ગુરુવારે ગાંધીનગર મહાનગર ભાજપા પ્રમુખ ડો. આશિષકુમાર દવેના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ કાર્યાલય શ્રી અટલ કમલમ, સે.૮ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં ભાજપાના પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
શ્રી પ્રશાંતભાઈ વાળાએ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવન કવન, ત્યાગ, સમર્પણ રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ, અને રાષ્ટ્રીય એકતા માટેની તેમની પ્રતિબદ્ધતા અંગે વિગતવાર સંવાદ કર્યો હતો. ડૉ. મુખર્જીનું રાષ્ટ્રનિર્માણમાં યોગદાન, રાષ્ટ્રહિત માટેની તેમની કામગીરી, “એક દેશ, એક નિશાન, એક વિધાન, એક પ્રધાન” પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા તેમજ જીવનસંઘર્ષ સહિતની બાબતો અંગે તેમણે કાર્યકર્તાઓ સમક્ષ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના પાયામાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી જેવા મહાન રાષ્ટ્રપુરુષોના વિચારો અને બલિદાન સમાયેલાં છે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું દેશની રાષ્ટ્રને સમર્પિત જીવન ભાજપાના કાર્યકરોને સદૈવ પ્રેરણા આપતું રહેશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના મજબૂત અને નિર્ણાયક નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની સક્રિય ભૂમિકા હેઠળ કાશ્મીર માથી કલમ ૩૭૦નું થયેલું નિર્મૂલન એ ડૉ. મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ છે.
આ પ્રસંગે શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવેએ જણાવ્યું હતું કે, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ માટે આપેલ યોગદાન ભારતના ઇતિહાસમાં સદાય અવિસ્મરણીય રહેશે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું જીવન રાષ્ટ્રભક્તિ અને અડગ સંકલ્પનું પ્રતિક છે. તેમણે કાર્યકર્તાઓને ડૉ. મુખર્જીના આદર્શોને આત્મસાત કરીને સમર્પણ, સેવા અને સંગઠનભાવ સાથે અવિરતપણે કાર્યરત રહેવા હાકલ કરી હતી.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી રાજુભાઇ શુક્લ તથા ભાજપાના સિનિયર આગેવાન તથા પ્રદેશ કારોબારી સભ્ય શ્રી દુષ્યંતભાઈ પંડ્યા એ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેઓએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રપ્રથમના વિચારને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી એક વૈચારિક ચળવળ છે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ રાષ્ટ્રની એકતા, સાંસ્કૃતિક અસ્મિતાના જે વિચારો રજૂ કર્યા હતા, તે આજે પણ ભાજપાની કાર્યશૈલી અને રાષ્ટ્રસેવાના સંકલ્પના આધારસ્તંભ છે. રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને સંગઠનના મૂલ્યો, શિસ્ત અને સેવા ભાવનાને જીવનમાં આત્મસાત કરવી એ જ ડૉ. મુખર્જીના જીવનને સાચી શ્રદ્ધાંજલિ છે.
આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શ્રી રાજુભાઇ શુક્લ, ભાજપાના સિનિયર આગેવાન તથા પ્રદેશ કારોબારી સભ્ય શ્રી દુષ્યંતભાઈ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ સહિત મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપાના પદાધિકારીઓ, નગરસેવકો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



