મોત જાણે માત્ર થોડાક પગલાં દૂર ઊભું હતું. સિંહના પંજામાં ફસાયેલા માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે તેમની ચીસો સાંભળીને આખું ગામ દોડી આવ્યું. કોઈ બૂમો પાડી રહ્યું હતું તો કોઈ હાથમાં પથ્થર લઈને સિંહ સામે ઊભું રહ્યું હતું. એક તરફ ઘર નજીક માલઢોર ચરાઈ રહ્યું હતું અને બીજી તરફ રોજની જેમ જીવન આગળ વધી રહ્યું હતું.પરંતુ પળવારમાં બધું બદલાઈ ગયું. અચાનક ત્રાટકેલા સિંહે માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર હુમલો કરી દીધો હતો. જેથી થોડીકવાર માટે મોત તેમની સામે ઊભું રહી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સિંહના પંજામાં ફસાયેલા કાળુભાઈ જીવન માટે ઝઝૂમી રહ્યા હતા, ત્યારે તેમની ચીસો સાંભળી આખું ગામ મદદ માટે દોડી આવ્યું હતું. ગરાજીયા ગામમાં સર્જાયેલા આ દિલધડક દ્રશ્યો જોઈ લોકો પણ સ્તબ્ધ બની ગયા હતા. કેટલાક લોકો બૂમો પાડી રહ્યા હતા, તો કેટલાક હાથમાં પથ્થરો લઈને સિંહને ભગાડવાના પ્રયાસમાં લાગી ગયા હતા. મોત સામેની કેટલીક મિનિટોની આ લડાઈ આખરે કાળુભાઈ માટે નવજીવન સાબિત થઈ.
ઘર નજીક જ બન્યો જીવલેણ હુમલો
પ્રાથમિક માહિતી અનુસાર, ગરાજીયા ગામના રહેવાસી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પોતાના માલઢોર સાથે ઘર નજીકના વિસ્તારમાં હતા. તે દરમિયાન અચાનક ગામમાં ઘૂસી આવેલા સિંહે તેમના પર હુમલો કરી દીધો.
હુમલો એટલો અચાનક હતો કે કાળુભાઈને સંભાળવાનો મોકો પણ મળ્યો નહીં. સિંહે તેમને પોતાના પંજામાં જકડી લીધા અને ગંભીર રીતે ઘાયલ કરી દીધા. ઘટના જોઈ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
માલધારી પર સિંહના હુમલાનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક Live Video : માણસના પગ પર આંટી મારીને બેઠો સિંહ, જુઓ માથે મોત બેઠું હોય ત્યારે શું હાલ થાય
બૂમો સાંભળીને ગામના લોકો દોડી આવ્યા
કાળુભાઈની ચીસો સાંભળતા જ પડોશીઓ અને ગામના લોકો તરત જ બહાર દોડી આવ્યા હતા. સામેના દ્રશ્યો જોઈને લોકો પણ એક ક્ષણ માટે દંગ રહી ગયા હતા. સિંહના પંજામાં ફસાયેલા કાળુભાઈને જોઈ સમગ્ર ગામમાં બૂમાબૂમ મચી ગઈ હતી. ગ્રામજનોએ હિંમત દાખવી અને સિંહને ભગાડવા માટે પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું. લોકોના હોબાળા અને સતત પથ્થરમારા બાદ આખરે સિંહ ત્યાંથી દૂર ખસી ગયો અને કાળુભાઈનો જીવ બચી ગયો. સ્થાનિકોનું કહેવું છે કે, જો થોડો પણ વધુ સમય થયો હોત તો કદાચ પરિણામ વધુ ગંભીર બની શક્યું હોત.
