અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાનચોરીના વિવાદ વચ્ચે હવે વધુ એક મોટું સંકટ સામે આવ્યું છે. મંદિરમાં ભક્તો દ્વારા અપાતા દાનની ગણતરી કરવાનું કામ કરતા 23 કર્મચારીઓએ એકસાથે સામૂહિક રાજીનામા આપી દીધા છે. આ ઘટનાને કારણે દાનની ગણતરીની કામગીરી પર સીધી અસર પડી છે અને ટ્રસ્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેમજ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે.ગુરુવારે માત્ર 13 કર્મચારીઓ જ ફરજ પર હાજર રહ્યા હતા જેના કારણે દાનની ગણતરીનું કામ ધીમું પડી ગયું હતું. દાનચોરીના કેસ બાદ સામે આવેલી આ નવી ઘટનાએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે.
કામના કલાકો વધ્યા અને પગાર ઘટતા કર્મચારીઓમાં રોષ
રાજીનામું આપનાર કેટલાક કર્મચારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું કે દાનચોરીનો મામલો સામે આવ્યા બાદ ગણતરી માટે ચાલતી બે શિફ્ટને બદલે માત્ર એક જ શિફ્ટ રાખવામાં આવી હતી. તેના કારણે અગાઉની 6 કલાકની ડ્યૂટી વધારીને સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એટલે કે લગભગ 9 કલાક કરવામાં આવી હતી. કર્મચારીઓનો આક્ષેપ છે કે કામના કલાકો વધવા ઉપરાંત તેમના પગારમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. અગાઉ તમામ કર્મચારીઓને દર મહિને 14755 રૂપિયાનો ફિક્સ પગાર મળતો હતો પરંતુ બાદમાં કોઈને ₹8,000 તો કોઈને ₹11,000 જેટલો પગાર આપવામાં આવતો હતો. ઉપરાંત મહિનામાં મળતી રજાઓ પણ ઓછી કરી દેવામાં આવી હતી. જેના કારણે કર્મચારીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો.
માગણીઓ ન સ્વીકારાતા આપ્યા સામૂહિક રાજીનામા
બુધવારે સાંજે કામ પૂર્ણ થયા બાદ તમામ કર્મચારીઓએ પોતાની સમસ્યાઓ લઈને SBIની તુલસી ઉદ્યાન શાખાના અધિકારીઓ અને સુરક્ષા એજન્સીના સુપરવાઇઝર સમક્ષ રજૂઆત કરી હતી. કર્મચારીઓએ અગાઉની જેમ 6 કલાકની ડ્યૂટી અને જૂનો પગાર ફરીથી લાગુ કરવાની માંગ કરી હતી. જોકે તેમની માગણીઓ સ્વીકારવામાં આવી નહોતી. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા 23 કર્મચારીઓએ હસ્તાક્ષર સાથે સામૂહિક રાજીનામું સોંપી દીધું હતું. બીજા દિવસે સવારે મોટા ભાગના કર્મચારીઓ કામ પર હાજર રહ્યા ન હોવાથી બેંક, ટ્રસ્ટ અને સુરક્ષા તંત્રમાં ચિંતા વધી ગઈ હતી અને દાનની ગણતરીની કામગીરી પ્રભાવિત થઈ હતી.નવી ભરતી થશે, પરંતુ રહેશે કડક ચકાસણી
સૂત્રોના જણાવ્યા મુજબ હવે ખાલી પડેલી જગ્યાઓ પર નવા કર્મચારીઓની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જોકે તાજેતરમાં સામે આવેલા દાનચોરીના કેસને ધ્યાનમાં રાખીને નવા કર્મચારીઓની પોલીસ વેરિફિકેશન બાદ જ નિમણૂક કરવામાં આવશે. તેથી ભરતી પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. બીજી તરફ બેંકના કેટલાક અધિકારીઓનું કહેવું છે કે દાનની ગણતરી માટે હવે અગાઉ જેટલા સ્ટાફની જરૂર નથી, તેથી કેટલાક કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે. આ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યવાહક મહામંત્રી કૃષ્ણ મોહને ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકને લઈને પણ વિવિધ અટકળો ચાલી રહી છે. હવે ટ્રસ્ટ આગામી દિવસોમાં દાનની વ્યવસ્થાને સરળ બનાવવા માટે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
