⚠️ MBA વિદ્યાર્થી નીકળ્યો સાયબર ગેંગનો ભાગ! 250 કરોડના ફ્રોડનો ભાંડો ફૂટતા 19ની ધરપકડ

Spread the love

ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ‘ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0’ અંતર્ગત રાજ્યના વડોદરા, ભાવનગર, સુરત, પાટણ અને ગાંધીનગરમાં નોંધાયેલા પાંચ મોટા સાયબર ફ્રોડ કેસનો પર્દાફાશ કરી કુલ 19 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન દેશના 21 રાજ્યોમાં નોંધાયેલા 146 સાયબર ગુનાઓ સાથે આરોપીઓના કનેક્શન સામે આવ્યા છે, જ્યારે કુલ 250 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના વ્યવહારોનો ખુલાસો થયો છે.

 

‘એકસાથે મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શન કરતા હતા’

 

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નકલી અને ભાડે મેળવેલા બેંક ખાતાઓનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડની રકમ ટ્રાન્સફર કરતા હતા. આ માટે તેઓ બલ્ક મોડ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને એકસાથે મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શન કરતા હતા. આરોપીઓએ લોકોને APK ફાઇલ અને અન્ય એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમજ ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ, ડિપોઝિટ અને UPI સંબંધિત લાલચ આપીને છેતરપિંડી આચરી હતી.

 

‘દુબઈથી સમગ્ર નેટવર્કનું સંચાલન થતું હતું’

 

સુરતના મોટા વરાછા અને જહાંગીરપુરામાં ઓફિસો ઉભી કરીને આ સમગ્ર નેટવર્ક સંચાલિત થતું હોવાનું બહાર આવ્યું છે. મહેસાણા અને ગાંધીનગરમાંથી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કેટલાક આરોપીઓ દુબઈથી સમગ્ર નેટવર્કનું સંચાલન કરતા હોવાનું પણ સામે આવ્યું છે. એક આરોપીના ખાતામાં જ 161 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા છે અને તેના મુખ્ય હેન્ડલરની પણ ધરપકડ કરવામાં આવી છે.

 

એક આરોપી હત્યાના ગુનામાં પણ વોન્ટેડ

 

વડોદરાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે દેશભરમાં 101થી વધુ સાયબર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. માત્ર આ કેસોમાં જ 46 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

 

વધુમાં, એક આરોપી હત્યાના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.

પારુલ યુનિવર્સિટીના MBA વિદ્યાર્થીએ આચરી 7.40 કરોડની સાયબર ઠગાઈ

 

વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતો વિદ્યાર્થી સાયબર ફ્રોડ કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ અભ્યાસ દરમિયાન જ પોતાના સાથી વિદ્યાર્થીઓ અને ઓળખીતાઓના નામે 10થી વધુ મ્યુઅલ બેંક ખાતાઓ ખોલાવ્યા હતા અને આ ખાતાઓ મારફતે 7.40 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી આચરી હતી. તપાસ દરમિયાન આરોપી સામે દેશભરમાં કુલ 28 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

‘અન્ય રાજ્યોમાં તપાસ થશે’

 

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડૉ.

 

રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે તમામ આરોપીઓ એકસંપ થઈ કમિશનની લાલચમાં સાયબર ક્રાઈમમાં વાપરવા માટેના કોર્પોરેટ બેંક ખાતાઓ પૂરા પાડી આર્થિક લાભ માટે એકબીજાની મદદગારી કરી ગુનો આચરેલ છે.

બલ્ક મોડવાળા ખાતાઓ શોધવા આવા ખાતાધારકોને કમિશનની લાલચ આપીને આધાર કાર્ડ, પાન કાર્ડ, ચેક બુક ફોટો, ATM આગળ પાછળ ફોટો, ઇન્ટરનેટ બેન્કિંગના ID પાસવર્ડ મેળવવા અને આગળ સિન્ડિકેટને મોકલવા આ બધી વિગતોને વેરીફાઈ કરી આપવા કે એમાં લોગીન થાય છે કે કેમ? તેમજ OTP વારંવાર લેવા ના પડે એટલા માટે ખાતાધારકમાં APK ફાઇલ ઇન્સ્ટોલ કરાવતા હતા. સિન્ડિકેટ માટે ફેસિલિટર નું કામ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *