નીતીન કાકા ફરી ચર્ચામાં – પાટીદારો પર ગોળીબારનો ઓર્ડર આપ્યો કોણે.? 10 વર્ષે પણ ઘેરું રહસ્ય, નીતિન પટેલનો યક્ષપ્રશ્ન

Spread the love

વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલનને લઈ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે કારણ કે, એક દાયકા જેટલો સમય વીતી ગયા બાદ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક એવો સનસનીખેજ ખુલાસો કર્યો છે, ભાજપના જ શાસનમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર ભયંકર પોલીસ દમન ગુજારવામાં આવ્યું હતું, એટલું જ નહીં, અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ પર સભા પછી પાટીદારો પર લાઠીચાર્જ અને ગોળીબાર કરવાનો આદેશ કોણે આપ્યો હતો તે રહસ્ય આજે પણ અકબંધ છે.ખુદ નીતિન પટેલે આ મુદ્દો ઉઠાવતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

 

પોલીસની નિર્દયતા સામે ગંભીર સવાલો

 

25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભા પૂર્ણ થયા બાદ પાટીદારો શાંતિપૂર્ણ રીતે વિખેરાઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ અચાનક જ એવી અફવા ફેલાઈ કે પોલીસે મંચ પર તોડફોડ કરી હતી. લોકોને લાકડીઓ ફટકારી. આ અફવા બાદ સ્થિતિ બેકાબુ બની અને ગોળીબાર સુધીની ઘટનાઓ ઘટી હતી. આ વાતનો ઉલ્લેખ કરતાં નીતિન પટેલે ગુજરાત પોલીસની નિર્દયતા સામે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, ‘જે લોકોએ આંદોલનમાં ભાગ પણ ન હોતો લીધો, તેવા પાટીદારોને પણ પોલીસે નિશાન બનાવ્યા હતા. અમદાવાદ શહેર અને મહેસાણામાં પોલીસે રહેણાંક સોસાયટીઓમાં ઘૂસીને ઘરોની બહાર પાર્ક કરેલી કારના કાચ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, ઘરમાં રહેલી નિર્દોષ મહિલાઓને પણ પોલીસે બેફામ ગાળો ભાંડીને અત્યાચાર ગુજાર્યો હતો.’

 

આ સમગ્ર ઘટનાક્રમ બાદ તાત્કાલિક અસરથી તમામ આગેવાનો ગાંધીનગર ખાતે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના બંગલે દોડી ગયા હતા. નીતિન પટેલે એવો ચોંકાવનારો ખુલાસો કર્યોકે, અમે તો ઠીક, ખુદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ચિંતામાં હતા કે આ બધું કોના ઈશારે અને કેવી રીતે બન્યું?. સવાલ એ છે કે જે પ્રશ્ન 2015માં હતો, તે જ પ્રશ્ન આજે પણ પાટીદારોના મનમાં યથાવત છે કે, પોલીસને પાટીદારો પર ગોળીબાર અને લાઠીચાર્જનો આદેશ આપ્યો કોણે? ખુદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સત્તાવાર આદેશથી અજ્ઞાત હતા.વખતે જાણે પોલીસ પરથી સરકારનો અંકુશ સરકી ગયો હોવાનો સંકેત આપતા નીતિન પટેલે કહ્યું કે, જ્યારે મહેસાણામાં પોલીસ દમન ચાલી રહ્યું હતું ત્યારે તેમણે તત્કાલીન મહેસાણા ડીએસપી હસમુખ પટેલને ફોન કરીને કહ્યું કે, આ બધું શું ચાલી રહ્યું છે?, આવું ન ચાલે.. પરંતુ તે સમયે કોઈએ તેમનું સાંભળ્યું ન હતું. આખરે નીતિન પટેલે આનંદીબેન પટેલને પોલીસને કડક સૂચના આપવા વિનંતી કરવી પડી હતી.

 

અત્યાર સુધી ભાજપના નેતાઓ આ મુદ્દે બચાવ કરતા હતા, પરંતુ નીતિન પટેલના આ ખુલાસાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપના જ શાસનમાં પાટીદાર સમાજ પર અન્યાય અને અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. એક પૂર્વ નાયબ મુખ્યમંત્રી દ્વારા જ પોતાની સરકાર સમયની પોલીસ કામગીરી સામે આંગળી ચીંધવામાં આવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

 

પાટીદારોનો આરોપ છેકે, જનરલ ડાયરના ઈશારે પોલીસે લાઠીચાર્જ-ગોળીબાર કર્યો હતો

 

અનામત આંદોલન વખતે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં હજારો પાટીદારોની ઉપસ્થિતિમાં વિશાળ સભા પૂર્ણ થયા બાદ પોલીસે પાટીદારો યુવાનો પર લાઠીઓ વરસાવી હતી. વાહનોમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં, ગોળીબાર કરતાં 14 પાટીદારો યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. તે વખતે પાટીદારોએ આક્ષેપ કર્યો હતો કે, દિલ્હીમાં બેઠેલા જનરલ ડાયરના ઈશારે ગુજરાત પોલીસે લાઠીચાર્જ નહીં, ગોળીબાર કરી પાટીદાર યુવાનોનો ભોગ લીધો હતો. હવે આ જનરલ ડાયર કોણ છે એ વાતનો હજુ ખુલાસો થઈ શક્યો નથી. ખુદ નીતિન પટેલે પણ આ ઘટનામાં મુખ્ય ષડયંત્રકાર કોણ છે એ મુદ્દે અજ્ઞાનતા દર્શાવી હતી.

 

ભાજપ નેતા વરુણ પટેલનું ટ્વિટ : નીતિનભાઈ, પાટીદારોની હત્યા થઈ તેનો મુખ્ય સૂત્રધાર કોણ? એ વિશે બોલો

 

પાટીદારો પર પોલીસે દમન ગુજાર્યો હતો તે વિશે ખુલ્લામને સ્વીકાર કરતાં ભાજપના નેતા અને અનામત આંદોલનકારી વરુણ પટેલે ટ્વિટ કર્યું કે, નીતિનભાઈએ ભલે મોડા પણ થોડી હિંમત દર્શાવી છે. પાટીદારોની હત્યા થઈ, પાટીદારો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો તેનો સ્વીકાર પણ કર્યો છે. હવે થોડી વધુ હિંમત દર્શાવી આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર કોણ છે, કયા અધિકારી આ ષડયંત્રનો હિસ્સો છે તે વિશે પણ બોલો. પાટીદારો તમારી સાથે રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *