શું તમે પણ મોબાઈલ રિચાર્જના વધતા ભાવથી પરેશાન છો? અથવા તમે એવા યૂઝર્સમાં સામેલ છો જેઓ ઘરમાં વાઈ-ફાઈ (Wi-Fi) હોવાને કારણે મોબાઈલ ડેટાનો બિલકુલ ઉપયોગ નથી કરતા, છતાં દર મહિને મજબૂરીમાં મોંઘા ડેટા પ્લાનવાળા રિચાર્જ કરાવવા પડે છે? જો હા, તો તમારા માટે ટૂંક સમયમાં જ ખૂબ મોટા રાહતના સમાચાર આવી શકે છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રે (TRAI – ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ) એ એક નવો ડ્રાફ્ટ રજૂ કર્યો છે, જે તમારા ખિસ્સાનો બોજ સીધો અડધો કરી દેશે.સરકારના આ નવા પ્લાનથી, જે રિચાર્જ પ્લાન માટે તમારે આજે 300 રૂપિયા ચૂકવવા પડે છે, તે આગામી દિવસોમાં માત્ર 100થી 150 રૂપિયામાં મળી શકે છે. આ નવો નિયમ કેવી રીતે કામ કરશે અને તેનાથી કોને ફાયદો થશે, ચાલો વિગતવાર જાણીએ.
TRAI દ્વારા આ માટે ‘ટેલિકમ્યુનિકેશન કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન્સ, 2026’નો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે અને તેના પર ટેલિકોમ કંપનીઓ તેમજ સામાન્ય જનતા પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે.
શું છે TRAIનો નવો પ્રસ્તાવ?
હાલમાં એરટેલ, જિઓ અને વોડાફોન-આઈડિયા (Vi) જેવી કંપનીઓ માત્ર કોલિંગ અને SMSવાળા પ્લાન બહુ મર્યાદિત દિવસો માટે જ આપે છે. લાંબી વેલિડિટી માટે યૂઝર્સે મજબૂરીમાં મોંઘા ડેટા કોમ્બો પ્લાન્સ જ ખરીદવા પડે છે. TRAIનો તર્ક છે કે જ્યારે યૂઝરને ડેટાની જરૂર જ નથી, તો તે તેના પૈસા શા માટે ચૂકવે?
નવા પ્રસ્તાવ અનુસાર, જો કોઈ ટેલિકોમ કંપની 7, 28, 56 કે 84 દિવસની વેલિડિટીવાળા ડેટા પ્લાન ઓફર કરે છે, તો તેણે એટલા જ દિવસોની વેલિડિટીવાળા માત્ર કોલિંગ અને SMSવાળા પ્લાન પણ અલગથી લોન્ચ કરવા પડશે. આનાથી ગ્રાહકોને પોતાની જરૂરિયાત મુજબ સસ્તા પ્લાન પસંદ કરવાની સંપૂર્ણ આઝાદી મળશે.
ખિસ્સા પર કેટલી અસર પડશે અને કોને ફાયદો થશે?
સામાન્ય રીતે કોઈપણ મોબાઈલ પ્લાનની કુલ કિંમતમાં 50%થી 70% જેટલો હિસ્સો માત્ર ડેટાનો હોય છે. નવો નિયમ લાગુ થયા બાદ ફક્ત કોલિંગવાળા પ્લાનની કિંમતો અડધાથી પણ ઓછી થઈ શકે છે. જેમ કે, જે પ્લાન અત્યારે 300 રૂપિયાનો મળે છે, તે માત્ર કોલિંગ માટે 100થી 150 રૂપિયામાં ઉપલબ્ધ થઈ શકે છે.
આ પ્લાનનો સૌથી મોટો ફાયદો એવા લોકોને થશે જેઓ સેકન્ડરી સિમ તરીકે બે સિમ કાર્ડ વાપરે છે, જેઓ ઘરમાં કે ઓફિસે વાઈ-ફાઈનો ઉપયોગ કરે છે, અને દેશના એ કરોડો વડીલો કે નાગરિકો જેઓ આજે પણ માત્ર વાતચીત કરવા માટે કીપેડવાળા બેઝિક ફોનનો ઉપયોગ કરે છે.TRAI એ આ ડ્રાફ્ટમાં ગ્રાહકોના હિતમાં અન્ય એક મોટો નિર્ણય પણ લીધો છે. હવે ટ્રુકોલર (Truecaller) જેવા કોલ મેનેજમેન્ટ એપ્સ 1600 અને 140 સીરીઝથી આવતા કોલ્સને પોતાની મરજીથી ઓટો-બ્લોક નહીં કરી શકે.
1600 સીરીઝ: આ સીરીઝ બેંકો, ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ (જેમ કે RBI, SEBI) અને સત્તાવાર સરકારી કામો માટે નક્કી કરવામાં આવી છે, જેથી ગ્રાહકોના જરૂરી સરકારી કે બેંકિંગ કોલ્સ મિસ ન થાય.
140 સીરીઝ: આ સીરીઝ કંપનીઓના પ્રમોશનલ કોલ્સ માટે છે, જેને ગ્રાહકો પોતે DND (Do Not Disturb) સર્વિસ દ્વારા બ્લોક કરી શકે છે, પરંતુ થર્ડ-પાર્ટી એપ્સ તેને સીધા બ્લોક નહીં કરી શકે.
TRAI તરફથી અંતિમ મંજૂરી મળ્યા બાદ ટેલિકોમ કંપનીઓને આ નવા નિયમો અને નવી કિંમતો લાગુ કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. આનાથી માર્કેટમાં કોમ્પિટિશન વધશે અને તેનો સીધો આર્થિક ફાયદો સામાન્ય ગ્રાહકોને થશે.
