જગન્નાથજીની આગામી 149મી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અભેદ્ય કિલ્લા જેવી હાઇટેક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ થવાની ઘટનામાંથી પાઠ ભણીને, પોલીસ તંત્રે આ વર્ષે દેશમાં પ્રથમ વખત અત્યાધુનિક “ગજરક્ષક સિસ્ટમ” અમલમાં મૂકી છે.આ ડિજિટલ સિસ્ટમ દ્વારા રથયાત્રામાં સામેલ થનારા તમામ 18 ગજરાજોના સ્વાસ્થ્ય અને હિલચાલ પર કમાન્ડ સેન્ટરથી રિયલ ટાઇમ નજર રાખવામાં આવશે.
ગજરાજોનું સ્પેશિયલ મેડિકલ ચેકઅપ અને ફિટનેસ ટેસ્ટ
રથયાત્રાના રૂટ પર લાખોની જનમેદની વચ્ચે હાથીઓનું વર્તન સામાન્ય રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ 18 ગજરાજોનું વિશેષ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા હાથીઓની આંખ, કાન, દાંત, પગ સહિતના અંગોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, હાથીઓને તાવ, કોઈ છૂપી ઇજા કે અન્ય ગંભીર બીમારી છે કે નહીં તેની ખાતરી કરવા માટે ખાસ ‘ફિટનેસ ટેસ્ટ’ પણ લેવામાં આવ્યો હતો.
શું છે ‘ગજરક્ષક સિસ્ટમ’? જાણો તેની ખાસિયતો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.કે. ઠાકરના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમમાં GPS, હાર્ટ રેટ મોનિટર, બોડી ટેમ્પરેચર સેન્સર, સાઉન્ડ સેન્સર અને જાયરોસ્કોપ જેવા અત્યાધુનિક ઉપકરણો ફિટ કરવામાં આવ્યા છે. આ સેન્સર્સ દ્વારા હાથીનું લાઇવ લોકેશન, તેના શરીરનું તાપમાન, હૃદયના ધબકારા અને તેનું શારીરિક સંતુલન કેવું છે તેની વિગતો સતત કંટ્રોલ રૂમને મળતી રહેશે. સિસ્ટમ સાથે ખાસ હન્ટિંગ કેમેરા જોડાયેલા છે, જે દર 5 સેકન્ડે 3 અલગ-અલગ એંગલથી ફોટોગ્રાફ્સ મોકલશે. જો કોઈ હાથી તણાવમાં હશે કે તેના ધબકારા વધશે, તો કમાન્ડ સેન્ટરને તુરંત એલર્ટ મળી જશે.
ડ્રોન, ‘નેત્રા વાન’ અને 3300 CCTVથી સજ્જ સુરક્ષા ચક્ર
રથયાત્રાના સમગ્ર રૂટ પર બાજ નજર રાખવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવામાં ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આખા માર્ગ પર 3300 જેટલા CCTV કેમેરા નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. સુરક્ષાને વધુ સંગીન બનાવવા “નેત્રા વાન” પણ રસ્તા પર દોડશે, જે તેના 360 ડિગ્રી કેમેરાની મદદથી આસપાસની શંકાસ્પદ ગતિવિધિઓ અને વાહનોના નંબર પ્લેટને તાત્કાલિક સ્કેન કરીને ડેટા મોકલશે.
CMO સુધી તમામ ગતિવિધિઓનું લાઇવ ટેલિકાસ્ટ
પોલીસે આ તમામ હાઇટેક વ્યવસ્થાને સંભાળવા માટે એક વિશેષ ‘મોબાઇલ કમાન્ડ એન્ડ કંટ્રોલ વાહન’ તૈનાત કર્યું છે. આ વાહનમાં ડ્રોન, CCTV અને ગજરક્ષક સિસ્ટમનો તમામ ડેટા એકત્રિત થશે. આ સુરક્ષા ફીડને માત્ર અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ કે ગુજરાત પોલીસ હેડક્વાર્ટર જ નહીં, પરંતુ ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય સુધી લાઇવ પહોંચાડવામાં આવશે. ટેક્નોલોજીના આ ત્રિવેણી સંગમથી આ વર્ષની રથયાત્રા અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે યોજાશે.
