અમદાવાદમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ, બાપુનગર પોલીસે એક આરોપીને કરી ધરપકડ

Spread the love

છેતરપિંડી સાથે જોડાયેલા મોટા મ્યુલ એકાઉન્ટ રેકેટનો ભાંડાફોડ થયો છે. બાપુનગર પોલીસે એક આરોપીની ધરપકડ કરીને પાંચ વર્ષથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતાં ખોલાવી કરોડો રૂપિયાની ગેરકાયદે લેવડદેવડ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.પોલીસ હવે સમગ્ર નેટવર્કના તાર શોધવામાં લાગી છે.

 

મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ | Mule Account Scam

 

અમદાવાદ (Ahmedabad)ના બાપુનગર પોલીસે (Bapunagar Police)સાયબર છેતરપિંડી સાથે સંકળાયેલા મ્યુલ એકાઉન્ટ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન પાંચ વર્ષથી સક્રિય રહેલા સંગઠિત ગેંગના કારનામા સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, ગેંગ વિવિધ લોકોના નામે બેંક ખાતાં ખોલાવી તેનો ઉપયોગ સાયબર ફ્રોડ અને ગેરકાયદે નાણાકીય વ્યવહારો માટે કરતી હતી.

 

આંતરિક વિખવાદથી બહાર આવ્યું કૌભાંડ

 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ગેંગના સભ્યો વચ્ચે થયેલા આંતરિક વિખવાદને કારણે સમગ્ર રેકેટનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ બાપુનગર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને નાણાકીય વ્યવહારોના વિશ્લેષણના આધારે તપાસ આગળ વધારી હતી, જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે.

 

માસ્ટરમાઇન્ડ વરુણ વર્મા સહિત અનેક નામ સામે આવ્યા

 

તપાસ દરમિયાન આ સમગ્ર રેકેટનો માસ્ટરમાઇન્ડ વરુણ વર્મા હોવાનું સામે આવ્યું છે. તેની સાથે સંકળાયેલા અન્ય સભ્યોના નામ પણ પોલીસ સમક્ષ આવ્યા છે. જોકે, વરુણ વર્મા હજુ પોલીસની પકડથી દૂર છે અને તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

 

લોકોને કમિશનની લાલચ આપીને ભાડે લેતા હતા બેંક ખાતા

 

ગેંગ આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ લોકોને થોડા કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતાં ખોલાવતી હતી અથવા હાલનાં ખાતાં ભાડે લેતી હતી. ત્યારબાદ ખાતાની ATM કાર્ડ, ચેકબુક, પાસબુક, મોબાઇલ નંબર અને ઇન્ટરનેટ બેન્કિંગની વિગતો પોતાના કબજામાં રાખીને ખાતા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવામાં આવતું હતું.

 

કરોડોની ગેરકાયદે લેવડદેવડનો ખુલાસો

 

પોલીસ તપાસમાં અનેક બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાની શંકાસ્પદ લેવડદેવડ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં થયેલી સાયબર છેતરપિંડી, ઓનલાઈન રોકાણ કૌભાંડ, ડિજિટલ અરેસ્ટ, KYC અપડેટ અને અન્ય ઓનલાઈન ફ્રોડમાં મળેલી રકમ ટ્રાન્સફર કરવા માટે થતો હોવાની આશંકા છે.

 

પાંચ વર્ષ જૂનું કાવતરું ટેક્નિકલ સર્વેલન્સથી બહાર આવ્યું

 

બાપુનગર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, બેંક ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પુરાવાના આધારે લગભગ પાંચ વર્ષથી ચાલતા આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં અનેક રાજ્યો સાથે જોડાણ હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ ઝડપાયેલા આરોપીની પૂછપરછના આધારે અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે. ઉપરાંત કેટલાં બેંક ખાતાઓનો ઉપયોગ થયો, કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ અને ગેરકાયદે નાણાં ક્યાં ટ્રાન્સફર થયા તેની પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

 

મ્યુલ એકાઉન્ટ શું છે?

 

મ્યુલ એકાઉન્ટ (Mule Account) એટલે એવું બેંક ખાતું, જેનો ઉપયોગ ગુનાહિત રીતે મેળવેલા પૈસાની લેવડદેવડ અથવા તેને છુપાવવા માટે કરવામાં આવે છે. સાયબર ઠગો ઘણી વખત અન્ય વ્યક્તિઓના નામે ખોલાયેલા અથવા ભાડે લીધેલા ખાતાઓમાં છેતરપિંડીથી મેળવેલી રકમ જમા કરાવે છે અને ત્યારબાદ તે પૈસા અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ટ્રેકિંગ મુશ્કેલ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *