ગોંડલથી હજુ એક માસ પૂર્વે જ ફૂડ વિભાગે દરોડો પાડી અલગ અલગ બે સ્થળેથી કરોડોની કિંમતના ભેળશેળયુક્ત મસાલાનો જથ્થો ઝડપી લીધો હતો. જે બાદ હવે રૂરલ એસઓજી ટીમે ગુંદાળા ગામની સીમમાં આવેલ જે પી મસાલા નામના એકમમાં દરોડો પાડી શંકાસ્પદ મસાલાનો જથ્થો ઝડપાતા ગોંડલ પંથકમાં ઉત્પાદીત ખાદ્ય પદાર્થોની ગુણવતા અંગે સવાલો ઉઠવાં પામ્યાં છે.દરોડાની પ્રાપ્ત વિગત અનુસાર એસઓજી શાખાએ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામની સીમમાં ધમધમતી એક મસાલાની ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને મોટો દરોડો પાડયો હતો. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી આ ફેક્ટરીમાંથી પોલીસે શ. 41,91,350ની કિંમતનો શંકાસ્પદ ભેળસેળયુક્ત મસાલાનો મસમોટો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસ.ઓ.જી. શાખાના પીઆઇ પારગી, પીએસઆઈ . ઝાલા અને તેમની ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ગુંદાળા ગામની સીમમાં આવેલ ‘મહાદેવ ઈન્ડસ્ટ્રીઝ’ માં ‘જે.પી. મસાલા’ નામના કારખાનામાં મોટા પાયે ભેળસેળ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી ઓફિસરને સાથે રાખી ગોડાઉન પર ત્રાટકી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કારખાનેદાર પોતાના આર્થિક ફાયદા માટે ઓછા જથ્થામાંથી વધુ જથ્થો બનાવવા માટે મસાલાની અંદર ભારે પ્રમાણમાં ભેળસેળ કરતો હતો. આ ભેળસેળમાં ધાણાજીરુંની અંદર ધાણાજીરુંનું જ ભુસું (વેસ્ટ) ઉમેરવામાં આવતું હતું.
જ્યારે મરચું અને હળદરમાં સસ્તા ભાવનો મકાઈનો લોટ અને પામોલીન તેલનું મિશ્રણ કરી, તેમાં આકર્ષક દેખાડવા માટે કૃત્રિમ કલર ઉમેરવામાં આવતો હતો. આ નકલી અને ઝેરી મસાલા બજારમાં અસલી તરીકે વેચીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા હતા.
પોલીસે આ મામલે ગોંડલ ની મુરલીધર રેસીડેન્સીમાં રહેતા અને મસાલાની ફેક્ટરી ચલાવતા મિતુલભાઈ ઉર્ફે મનીષભાઈ ગીરધરભાઈ બાલધા ઉ.વ. 39 સામે કાર્યવાહી કરી હતી.
અંદાજિત કિંમત દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી શંકાસ્પદ ભેળસેળયુક્ત મસાલા મરચું, જીરું, ધાણાજીરું, હળદર નો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ 41,91,350 જેટલી થવા જાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ સીઝ કર્યો છે. ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ભેળશેળયુક્ત મસાલા બનાવતી પેઢી મિતુલ બાલધાએ છેલ્લા છ મહિનાથી સંભાળી હતી. જો કે, આ પેઢી ગુંદાળા ગામે છેલ્લા ત્રણ વર્ષથી ધમધમતી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે જેથી આગામી દિવસોમાં આ સમગ્ર કૌભાંડમાં નવા ખુલાસા થવાની વકી છે.
ગોંડલ બનાવટી ચીજ-વસ્તુઓનું હબ બન્યું. નકલી ઘી, બિયારણ, ખાતર બાદ ભેળસેળયુક્ત મસાલાનો જથ્થો ઝડપાયો
ગોંડલ જાણે નકલી ચીજ-વસ્તુઓના ઉત્પાદનનું હબ બની રહ્યું હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. ગોંડલમાં ગત 17 મી જૂને ફૂડ વિભાગે દરોડો પાડી રૂ. 1,11,04, ર0પની કિંમતનો 35,5ર7કિલો મસાલાનો જથ્થો સીઝ કર્યો હતો. બાદમાં જામવાડી જીઆઈડીસીમાં આવેલા મીસરી સ્પાઈસીસી નામના કારખાનામાંથી રૂ. 1.90 કરોડનો શંકાસ્પદ મસાલા તેલ સીઝ કરાયા હતા. અગાઉ ગોંડલમાંથી નકલી ઘીનું સૌરાષ્ટ્ર વ્યાપી મોટું કૌભાંડ ઝડપાયું હતું.ઉપરાંત નકલી બિયારણ તથા ખાતરનું કૌભાંડ પણ ઝડપાયું હતુ.
ભેળસેળ યુક્ત મસાલાનું સેવન એટલે કેન્સર સહિતના જીવલેણ બીમારીઓને નોતરૂં
દરોડા મામલે પોલીસ સૂત્રો અને આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી અનુસાર મસાલામાં જીરૂનું ભુસુ, મકાઈનો લોટ, પામોલિન તેલ અને કૃત્રિમ કલરનો ઉમેરો કરવામાં આવતો હતો. આ મસાલો ખાવાથી કેન્સર સહીતની જીવલેણ બીમારીઓ થઇ શકે છે જેથી ખરેખર તો આ પેઢી દ્વારા મસાલાના નામે ઝેર પીરસવામાં આવતું હતું.
મરચું, જીરૂ, ધાણાજીરૂ, હળદર સહિતનો શંકાસ્પદ મસાલાનો જથ્થો કબ્જે: રૂરલ એસઓજી પીઆઈ એફ.એ. પારગી અને પીએસઆઈ જી.જે. ઝાલા ટીમનો દરોડો
