બોલિવુડના સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેતા દિલીપ કુમારનું ૯૮ વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા. જણાવી દઈએ કે, છેલ્લા આઠ દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને ૩૦ જૂને હિંદુજા હોસ્પિટલના ICU માં દાખલ કરાયા હતા.દિલીપ કુમારના ટિ્વટર હેન્ડલ પરથી તેમના પારિવારિક મિત્ર ફૈઝલ ફારુકીએ ટિ્વટ કરીને લખ્યું, “ભારે હૈયે અને અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા વહાલા દિલીપ સા’બ હવે આ દુનિયામાં નથી રહ્યા. થોડી મિનિટો પહેલા જ તેમનું નિધન થયું છે. આપણે ઈશ્વરના છીએ અને તેમની પાસે જ પાછા જવાનું છે.”ભારતીય સિનેમાના વરિષ્ઠ સભ્ય દિલીપ કુમારે આજે (૭ જુલાઈ) સવારે ૭.૩૦ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. લાંબી માંદગી બાદ ખારમાં આવેલી હિંદુજા હોસ્પિટલમાં તેમનું અવસાન થયું છે. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.”મુગલ-એ-આઝમના અભિનેતા દિલીપ કુમારની તબિયત છેલ્લા થોડા મહિનાઓથી નાદુરસ્ત રહેતી હતી. છેલ્લા એક મહિનામાં તેમને એકથી વધુ વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાેકે, પરિવાર અને ફેન્સને આશા હતી કે તેમની તબિયત સુધરી જશે.