..તો આગામી વર્ષની ચુંટણીમાં ગુજરાત સહિતના રાજયોમાં 2 વર્ષની વિધાનસભા ટર્મ હશે

Spread the love

કેટલાક રાજયોની ધારાસભા ટર્મ 1 વર્ષ વધી શકે : અનેક રાજયોમાં 2-3 વર્ષમાં જ ફરી 2029માં લોકસભા સાથે ધારાસભા ચુંટણી યોજાશે

 

નવી દિલ્હીઃ દેશમાં હવે મોદી સરકાર એક દેશ એક ચુંટણી યોજવા તૈયારી કરી રહી છે તથા એક વખત સંસદના ચોમાસુ સત્રમાં નવા સિમાંકન અને 33% મહિલા અનામતનો ખરડો મંજુર થયા બાદ શિયાળુ સત્રમાંજ એક દેશ એક ચુંટણી માટેના જરૂરી બંધારણીય સુધારા સહિતના ત્રણ ખરડા મંજુર કરવા રજુ કરાશે.સરકારે આ બંને ખરડા બંધારણીય સુધારા હોવાથી બે તૃતીયાંશ બહુમતી સાથે મંજુર થાય તે જરૂરી છે અને તેથીજ હાલ રાજયસભામાં તે બહુમતીની નજીક એનડીએ પહોંચી જશે. લોકસભામાં હજુ 40થી44 મતોનું અંતર કાપવાનું છે અને તે માટે ભાજપ એનડીએના ફલોર નિષ્ણાંતો વ્યુહ બનાવી રહ્યા છે.

 

સરકારને ભરોસે છે કે, તેમાં સફળતા મળશે તેથી તે એક દેશ એક ચુંટણીનો ખરડો સંસદમાં મંજુર થઈ જાય પછી દેશના 50% રાજયોની વિધાનસભામાં તે પસાર કરાવવામાં વાંધો આવશે નહી. 22 રાજયોમાં ભાજપ સાથી પક્ષોની સરકાર છે.

 

હવે આ અંગે સંસદીય સમીતીની સંયુક્ત કમીટીના ચેરપર્સન પી.પી.ચૌધરીએ સંકેત આપી દીધો કે 2029ની ચુંટણીની આ નવી વ્યવસ્થા લાગુ કરવાના ઈરાદા સાથે સરકાર આગળ વધી રહી છે અને તેનાથી દેશમાં ચુંટણીની સમગ્ર સાયકલ ફરી જશે જે માટે પણ મુખ્યમંત્રીઓ રાજકીય પક્ષોને સાથે લેવાની તૈયારી છે.

 

તેઓએ દાવો કર્યો કે, સંયુક્ત સંસદીય કમીટીએ આ અંગે દેશભરમાં વિવિધ સંબંધીત વર્ગો સાથે ચર્ચા કરી તેમાં 99% લોકો એક દેશ એક ચુંટણીના સમર્થક છે. તેઓએ દાવો કર્યો કે દેશમાં વારંવાર ચુંટણીની રૂા.7 લાખ કરોડની નુકશાની જાય છે.

 

તેઓએ સ્વીકાર્યુ કે, રાજયો જેની વિધાનસભા ચુંટણીઓ અલગ અલગ સમયે યોજાય છે તેને આ ચુંટણીના આ નવા શેડયુલમાં સામેલ કરવા માટે સંમત કરવા એ સૌથી મોટી કવાયત છે.

 

જો કે ભાજપ શાસનના રાજયો સંમત થઈ જશે તેમાં 2027થી 2029 સુધીમાં જેની મુદત પુરી થાય છે તે અસર થશે. આથી અનેક રાજયોમાં 2029ના ચુંટણી શેડયુલમાં જોડાવા માટે ખાસ તૈયારી કરવી પડશે.

 

તેઓએ જણાવ્યું કે, ખાસ કરીને કર્ણાટક-રાજસ્થાન-તેલંગાણા- મધ્યપ્રદેશ-છતીસગઢ-મેઘાલય-નાગાલેન્ડ-ત્રિપુરા-મીઝોરામની ચુંટણી 2028માં ડયુ છે તેની મુદત એક જ વર્ષની થાય તેઓની 1 વર્ષ બાદ વિધાનસભા ભંગ કરી શકે અથવા 2029 સુધી લંબાવી શકાય.

 

આવી જ રીતે 2027માં જયાં સુધી ડયુ છે. તેમાં ઉતરપ્રદેશ, પંજાબ, ગોવા, ઉતરાખંડ, ગુજરાત, મણીપુરમાં તેમની ચુંટણીઓ બાદ વિધાનસભાની ટર્મ 2 વર્ષ કરીને 2029માં ફરી ચુંટણી યોજી શકાય તો 2026માં જયાં સુધી યોજાઈ તેમાં પ.બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ, પુંડુચેરી તેઓને ત્રણ વર્ષથી જ ટર્મ મળી શકે તો 2025માં અંતે જયાં ચુંટણી યોજાઈ હતી તે બિહાર તથા દિલ્હીમાં 2025માં ચુંટણી યોજાઈ હતી તેની મુદત 1 વર્ષ ઘટી શકે છે.

 

2029માં આંધ્રપ્રદેશ, અરુણાચલ, ઓડીસા, સિકકીમ, મહારાષ્ટ્ર, હરીયાણા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીરમાં તો ફકત થોડા મહિનાથી જ ટર્મ વધી શકે અથવા ત્યાં રાષ્ટ્રપતિ શાસનથી 2029ના મે માસમાં ચુંટણી યોજાઈ શકે.

 

આમ સમગ્ર કવાયતની બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ રહી છે. જેની સૌથી મોટી રાજકીય પરિક્ષા સંસદમાં અને બાદમાં રાજયો ખાસ કરીને વિપક્ષ શાસનના રાજયોને સંમત કરાવવામાં થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *