ગરબા ક્લાસીસમાં જતી સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હવસખોર સંચાલક

Spread the love

સુરત: જિલ્લાના કીમ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને વાલીઓને જાગૃત કરતી ઘટના સામે આવી છે. પાંચ મહિના પહેલા સુરત જિલ્લાના કીમ ખાતે ગરબા ક્લાસીસમાં જતી એક સગીરાને ક્લાસીસના સંચાલક દેવેશ ઉર્ફે દેવસર પાંડેએ લલચાવી-ફોસલાવી પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને બાદમાં ભગાડી ગયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો રહેવાસી અને હાલ કીમમાં રહેતો દેવેશ સગીરા સાથે લગ્ન કરવા માગતો હતો પણ પુખ્ત વયમાં સગીરાને થોડા મહિના ઘટતા હતા જેથી સગીરાને સગીર હોવા છતાં તેને પુખ્ત સાબિત કરવા માટે ખેલ રચ્યો હતો.આરોપીએ પોતાના મિત્રની મદદ લીધી

 

આરોપીએ પોતાના મિત્ર કીમ ગામે રહેતા સંજીતકુમાર યાદવની મદદ લીધી અને સગીરાનો ખોટો જન્મનો દાખલો બનાવ્યો અને રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરી લગ્ન નોંધણી પણ કરાવી લીધી, સમગ્ર બાબતની જાણ સગીરાના વાલીઓને થતા તેઓના પગ તળેથી જમીન સરકી ગઈ. તેઓ કીમ પોલીસ મથક ખાતે દોડી ગયા જ્યાં ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી. જોકે આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે બાતમીદારોને કામે લગાડી દીધા હતા ત્યારે પોલીસે હાલ પાંચ મહિના બાદ ચોક્કસ બાતમીના આધારે સગીરાને ભગાડી લઈ જનાર મુખ્ય આરોપી દેવેશ અને તેના સહયોગી સંજીતકુમારને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

 

પોલીસ દ્વારા વાલીઓ માટે ખાસ અપીલ

 

આ ઘટના બાદ સુરત જિલ્લા પોલીસ દ્વારા વાલીઓ માટે ખાસ અપીલ કરવામાં આવી છે. વાલીઓએ જ્યારે પણ પોતાની દીકરીઓને જીમ કે ગરબા ક્લાસીસમાં મોકલવાનું હોય ત્યારે સંચાલકનું બેકગ્રાઉન્ડ, તેનું ચરિત્ર અને પારિવારિક ઈતિહાસ ચોક્કસપણે તપાસવો જોઈએ. સાથે જ યુવતીઓને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આવા બનાવો યુવતીઓને સામાજિક અને માનસિક રીતે પાયમાલ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *