અમિત રાય, મુંબઈમહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં દૂધમાં ભેળસેળના એક મોટા કિસ્સાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. તપાસ દરમિયાન મળેલી વિગતો મુજબ, છેલ્લા 6 મહિનામાં મોટા પાયે કૃત્રિમ દૂધ તૈયાર કરીને બજારમાં સપ્લાય કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ ભેળસેળના કારણે કરોડો લિટર દૂધની ગુણવત્તા જોખમમાં મુકાઈ છે.આ મામલે 7 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ હાલ તમામ આરોપીઓ હાલ પલાયન છે.
શું છે સમગ્ર મામલો?મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા ધારાશિવ જિલ્લાના ભૂમ વિસ્તારમાં તપાસ દરમિયાન આરોપીઓના સેલ રજિસ્ટરમાંથી આઘાતજનક માહિતી સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 6 મહિનામાં આશરે 2,30,470 કિલોગ્રામ હલકી ગુણવત્તાવાળા મિલ્ક પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ પાવડરથી આશરે 23,04,700 લિટર કૃત્રિમ દૂધ તૈયાર કરવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત 9,21,62,800 રૂપિયા છે.
કેવી રીતે થતી હતી ભેળસેળ?તપાસ એજન્સીઓનો દાવો છે કે દર 100 લીટર શુદ્ધ દૂધમાં 10 લિટર કૃત્રિમ દૂધ ભેળવવામાં આવતું હતું. આ આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ભૂમ વિસ્તારના દૂધ સંગ્રહ કેન્દ્રોમાંથી મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં સપ્લાય થયેલા આશરે 23,04,70,000 લિટર દૂધમાં ભેળસેળ થઈ હોઈ શકે છે. દૂધમાં ફેટનું પ્રમાણ જાળવી રાખવા માટે નિરમા, પામ ઓઈલ અને હલકી ગુણવત્તાવાળા પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હોવાની શંકા છે.
આરોપીઓની શોધખોળ ચાલુઆ કેસમાં અત્યાર સુધી 7 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. કેસ નોંધાયાના 8 દિવસથી વધુ સમય વીતી જવા છતાં તમામ આરોપીઓ ફરાર છે. તેમની ધરપકડ માટે પોલીસ ઈન્સ્પેક્ટરના નેતૃત્વમાં એક વિશેષ ટીમ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આરોગ્ય પર જોખમસ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આ પ્રકારના ભેળસેળયુક્ત દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. તેનાથી કિડની, લીવર અને પાચનતંત્રને લગતી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ખાસ કરીને બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો પર તેની ગંભીર અસર પડી શકે છે. ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ દૂધમાં ભેળસેળ એક ગંભીર ગુનો છે, જેમાં 10 લાખ રૂપિયા સુધીનો દંડ અને આજીવન કેદની સજાની જોગવાઈ છે.
