હોર્મુઝ ટોલ ટેક્સ મામલે 24 કલાકમાં જ પલટી મારી ડોનાલ્ડ ટ્રમ્પે, 20% ફી વસૂલવાનો નિર્ણય પાછો ખેંચ્યો, ખાડી દેશો સાથે થશે ડીલ

Spread the love

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz)માંથી પસાર થતા માલવાહક જહાજો પર 20 ટકા ટોલ ટેક્સ વસૂલવાની પોતાની વિવાદાસ્પદ નીતિ માત્ર 24 કલાકમાં જ પાછી ખેંચી લીધી છે. વૈશ્વિક સ્તરે થયેલા ભારે વિરોધ બાદ ટ્રમ્પે આ મોટો યુ-ટર્ન લીધો છે.ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે- મિડલ ઈસ્ટના નેતાઓ સાથે ખુબ જ સકારાત્મક ચર્ચા થયા બાદ મેં 20 ટકા રીઇમ્બર્સમેન્ટ ફી વસૂલવાનો નિર્ણય રદ કર્યો છે. તેની જગ્યાએ હવે ખાડી દેશો અમેરિકા સાથે મોટા પાયે વેપાર અને રોકાણ કરારો કરશે, જે બંને પક્ષોના ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે. ભારત અને સંયુક્ત રાષ્ટ્ર સહિત વિશ્વના અનેક દેશોએ આ ટેક્સનો વિરોધ કર્યો હતો, જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડી સિલ્વાએ તો આ પ્રસ્તાવની મજાક ઉડાવતા તેને અમેરિકાની લૂંટફાટ ગણાવી હતી.

 

ઈરાન પર સતત 5 કલાક સુધી અમેરિકાનો બોમ્બમારો

 

ટેક્સ નીતિ બદલાઈ હોવા છતાં સરહદ પર સૈન્ય કાર્યવાહી વધુ ઉગ્ર બની છે. યુએઈ (UAE)ના બે વ્યાપારી જહાજો પર ઈરાની હુમલા બાદ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ મંગળવારે ઈરાનના ડઝનબંધ સૈન્ય ઠેકાણાઓ પર સતત 5 કલાક સુધી મિસાઈલો અને બોમ્બ વરસાવ્યા હતા. આ હુમલામાં ઈરાનની દરિયાઈ સંરક્ષણ પ્રણાલી, મિસાઈલ અને ડ્રોન સાઈટોને ભારે નુકસાન પહોંચ્યું છે.

 

અમેરિકી સેનાએ એક્સ પર માહિતી આપી છે કે ઈરાનના બંદર અબ્બાસ, ચાબહાર, જાસ્ક, કોનરાક અને અબુ મૂસા ટાપુઓ પર જોરદાર બોમ્બમારો કરવામાં આવ્યો છે. આ હુમલાના કારણે ગયા મહિને બંને દેશો વચ્ચે થયેલા યુદ્ધવિરામ (MoU)ના અસ્તિત્વ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

 

ઈરાનનો વળતો પ્રહાર: અમેરિકી સૈન્ય મથકોને બનાવ્યા નિશાન

 

બીજી તરફ, ઈરાનની સૈન્ય પાંખ IRGC એ દાવો કર્યો છે કે તેમણે અમેરિકી હુમલાના જવાબમાં નસ્ર-2 સૈન્ય ઓપરેશન શરૂ કર્યું છે. આ અંતર્ગત જોર્ડન, કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો (Air Bases) પર બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો છોડવામાં આવી છે. જોર્ડને દાવો કર્યો છે કે તેણે 4 ઈરાની મિસાઈલો હવામાં જ તોડી પાડી છે, જ્યારે બહેરીનમાં સ્થિત અમેરિકી એરબેઝ પર હુમલા બાદ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

 

ટ્રમ્પે સંસદને આપી જાણકારી, પૂર્વ સુપ્રીમ લીડર અંગે મોટો દાવો

 

આ વખતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉની ભૂલનું પુનરાવર્તન કર્યું નથી. 1973ના વોર પાવર્સ રિઝોલ્યુશન કાયદા હેઠળ તેમણે સૈન્ય ઓપરેશન શરૂ થયાના 48 કલાકની અંદર જ અમેરિકી કોંગ્રેસ (સંસદ) ને સત્તાવાર પત્ર મોકલીને આ યુદ્ધની જાણકારી આપી દીધી છે. અગાઉના હુમલા વખતે સંસદને અંધારામાં રાખવા બદલ તેમની ભારે ટીકા થઈ હતી.

 

પત્ર મોકલ્યા બાદ ટ્રમ્પે એક સનસનીખેજ દાવો કરતા જણાવ્યું હતું કે, અમેરિકી સેનાના આ ભીષણ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ 90 ટકા સુધી ખતમ થઈ ચૂક્યા છે અને અમેરિકાએ ઈરાનનું સૈન્ય માળખું તબાહ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *