ભારત અને બ્રિટન વચ્ચે થયેલો કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે CETA 15 જુલાઈથી લાગુ થઈ રહ્યો છે. આશરે 11 મહિના પહેલા બન્ને દેશોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ આ કરાર લાગું કરવામાં આવી રહ્યો છે.
સરકાર આને ભારતની સૌથી મોટી અને સૌથી વ્યાપક ટ્રેડ ડીલ ગણાવી રહી છે.તેનો હેતુ ભારતીય કંપનીઓને બ્રિટન જેવા મોટા વિકસિત બજાર સુધી સરળ પહોંચ આપવી, નિકાસ વધારવી અને બન્ને દેશો વચ્ચેના વેપારને નવી ગતિ આપવાનો છે.
99% સામાન પર ઈમ્પોર્ટ ડ્યુટી ખતમ
આ કરાર લાગુ થતાં જ ભારતથી બ્રિટન મોકલવામાં આવતા આશરે 99% સામાન પર ઈમ્પોર્ટ ડ્યુટી નાબૂદ થઈ જશે. એટલે કે ભારતીય કંપનીઓ પોતાનો સામાન પહેલાની સરખામણીએ ઓછી કિંમતે વેચી શકશે અને બ્રિટનના બજારમાં તેમની સ્પર્ધાત્મકતા વધશે.
કયા સેક્ટરોને ફાયદો થશે?
કપડાં (ટેક્સટાઇલ) અને રેડીમેડ ગારમેન્ટ્સ
ચામડું (લેધર) અને જૂતા
જેમ્સ એન્ડ જ્વેલરી
એન્જિનિયરિંગ સામાન
ઓટો પાર્ટ્સ
દવાઓ (ફાર્માસ્યુટિકલ્સ) અને કેમિકલ્સ
પ્રોસેસ્ડ ફૂડ અને મરીન પ્રોડક્ટ્સ
રમકડાં અને સ્પોર્ટ્સ ગુડ્સ
આવી ગયા રાહતના સમાચાર! સેટેલાઇટ તસવીરોમાં જોવા મળી ચોમાસાની નવી ‘સિસ્ટમ’, જાણો ક્યારથી ધબધબાટી બોલવશે વરસાદ
ભારત માટે આ કરાર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે બ્રિટન દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. બન્ને દેશો વચ્ચે અત્યારે વાર્ષિક આશરે 56 અબજ ડોલરનો (માલ-સામાન અને સેવાઓ સહિત) વેપાર થાય છે. જેમાં માત્ર વસ્તુઓનો વેપાર આશરે 23 અબજ ડોલરનો છે. હવે 2030 સુધીમાં આ વેપારને બમણો કરવાનો લક્ષ્યાંક છે.
આ ડીલનો ફાયદો માત્ર સામાન વેચવા પૂરતો મર્યાદિત નહીં રહે. બ્રિટને ભારત માટે 12 મોટા સર્વિસ સેક્ટર અને 137 સબ-સેક્ટર ખોલી દીધા છે. આનાથી આઈટી (IT), આઈટીઈએસ (ITeS), ફાઇનાન્સિયલ સર્વિસીસ, ટેલિકોમ, શિક્ષણ, હેલ્થકેર, એન્જિનિયરિંગ, એકાઉન્ટન્સી અને પ્રોફેશનલ સર્વિસીસમાં કામ કરતી ભારતીય કંપનીઓ અને પ્રોફેશનલ્સ માટે નવી તકો ઊભી થશે.
4,000 કરોડ રૂપિયાની થશે બચત
15 જુલાઈથી જ બ્રિટનમાં અસ્થાયી ધોરણે કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સને પણ મોટી રાહત મળશે. ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન (DCC) હેઠળ તેમણે એક નિશ્ચિત સમયગાળા સુધી બ્રિટનની સોશિયલ સિક્યોરિટીમાં યોગદાન આપવું નહીં પડે. સરકારના જણાવ્યા અનુસાર, આનાથી 75 હજારથી વધુ ભારતીય કર્મચારીઓ અને 900થી વધુ ભારતીય કંપનીઓને ફાયદો થશે અને આશરે 4,000 કરોડ રૂપિયાથી વધુની બચત થવાનો અંદાજ છે.
બીજી તરફ ભારત પણ બ્રિટનથી આવતી ઘણી પ્રોડક્ટ્સ પર આયાત જકાત ઘટાડશે. તેની અસર ધીમે-ધીમે બજારમાં જોવા મળશે. સ્કોચ વ્હિસ્કી, જિન, ચોકલેટ, બિસ્કિટ, કોસ્મેટિક્સ અને મર્યાદિત સંખ્યામાં આયાત થનારી બ્રિટિશ કારો પહેલા કરતા સસ્તી થઈ શકે છે. જો કે, આ પ્રોડક્ટ્સ પર ડ્યુટીમાં ઘટાડો તબક્કાવાર રીતે કરવામાં આવશે, તેથી કિંમતોમાં બદલાવ પણ ધીમે-ધીમે જોવા મળશે.
દૂધ, ડેરી ઉત્પાદનો અને અનાજ કરારથી બહાર
આ કરારથી MSME, ખેડૂતો, માછીમારો, ટેક્સટાઇલ ઉદ્યોગ, લેધર ઉદ્યોગ, દવા કંપનીઓ અને ઓટો પાર્ટ્સ બનાવતી કંપનીઓ સૌથી વધુ લાભની આશા રાખી રહી છે. બીજી તરફ દૂધ, ડેરી ઉત્પાદનો, અનાજ, કઠોળ, અનાજ (મિલેટ્સ), ખાદ્ય તેલ, સફરજન અને અન્ય કેટલીક સંવેદનશીલ કૃષિ પેદાશોને ભારતે આ કરારથી બહાર રાખ્યા છે જેથી સ્થાનિક ખેડૂતોના હિતોનું રક્ષણ થઈ શકે.સરકારનું માનવું છે કે, આ ટ્રેડ ડીલથી ભારતની નિકાસ વધશે, રોકાણ આવશે, રોજગારીની નવી તકો ઊભી થશે અને બ્રિટન જેવા મોટા બજારમાં ભારતીય કંપનીઓની હિસ્સેદારી વધુ મજબૂત થશે. સાથે જ સામાન્ય લોકોને પણ આગામી સમયમાં કેટલીક બ્રિટિશ પ્રોડક્ટ્સ પહેલા કરતાં સસ્તા ભાવે મળી શકશે.
