ગાંધીનગરમાં મચ્છરો પર સર્જિકલ સ્ટ્રાઈક! 70 ટીમોએ 1 લાખથી વધુ ઘરો ખૂંદી નાખ્યા

Spread the love

ચોમાસાની એન્ટ્રી સાથે જ પાટનગરમાં વાયરસ અને મચ્છરજન્ય રોગો માથું ન ઉચકે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર યુદ્ધના ધોરણે સક્રિય બન્યું છે. ખાસ કરીને રાજ્યમાં દેખા દેનારા ચાંદીપુરા વાયરસના ખતરા અને ડેન્ગ્યુના સંભવિત પ્રકોપને ડામવા માટે મનપાના આરોગ્ય વિભાગે કામગીરી સુપરફાસ્ટ સ્પીડે દોડાવી દીધી છે. જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવી રહેલા આરોગ્ય વિભાગે રોગચાળા સામે રક્ષણાત્મક કવચ મજબૂત કરવા એક લાખથી વધુ ઘરોનો સર્વે પૂર્ણ કરી દીધો છે.

 

મચ્છરોનો ઉપદ્રવ રોકવા 70 ટીમો મેદાને ઉતરી પાટનગરમાં વાયરસ અને મચ્છરજન્ય રોગો માથું ન ઉચકે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એક્શન આવી ગયું છે. પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ ભરાયેલા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા મનપાની કુલ 70 ટીમો મેદાને ઉતરી છે. આ ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો બીજો રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. આરોગ્ય કર્મીઓએ પાટનગરના 1 લાખથી વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

 

2338 પાત્રોમાં મચ્છરોના પોરા મળ્યા આ દરમિયાન ઘર અને આસપાસના અંદાજે 1.86 લાખ જેટલા પાણીના પાત્રો તપાસવામાં આવ્યા હતા.

 

જેમાંથી ચોંકાવનારી રીતે 2338 પાત્રોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા. આરોગ્ય ટીમોએ તાત્કાલિક ધોરણે આ તમામ પાત્રોમાં પોરાનાશક દવાનો છંટકાવ કરીને મચ્છરોની ઉત્પત્તિના સ્ત્રોતનો નાશ કર્યો છે. આ ઉપરાંત મચ્છરોના ઉપદ્રવને કાબૂમાં લેવા 570 ઘરોમાં ઇન્ડોર ફોગિંગ અને સમગ્ર વિસ્તારમાં આઉટડોર કોલ્ડ ફોગિંગનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરાયો છે.

 

આરોગ્ય વિભાગે 5000થી વધુ પક્ષીકુંજ દૂર કરાવ્યા આ સિવાય ચોમાસામાં સતત થતા વરસાદને કારણે ખુલ્લામાં પડેલા પક્ષીકુંજમાં પાણી ભરાઈ રહેતું હોય છે, જે મચ્છરો માટે સેવન સેન્ટર બને છે. આરોગ્ય વિભાગે આવા 5000થી વધુ પક્ષીકુંજ દૂર કરાવ્યા છે. તંત્રએ શહેરીજનોને અપીલ કરી છે કે ચોમાસામાં વરસાદી પાણી ઉપલબ્ધ હોવાથી હવે પક્ષીકુંજની જરૂર રહેતી નથી. તેથી કુંડા ખાલી કરી દેવા અથવા હટાવી લેવા.

 

તળાવો અને હવાડામાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મૂકાઈ

 

ઉપરાંત પાણીના અન્ય તમામ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા પણ તાકીદ કરાઈ છે અને જૈવિક પદ્ધતિથી મચ્છરોનો નાશ કરવા માટે પેથાપુર, કોલવડા, અંબાપુર અને ખોરજ જેવા ગ્રામ્ય તળાવો તેમજ જાહેર હવાડાઓમાં મોટી સંખ્યામાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મૂકવામાં આવી છે. જે કુદરતી રીતે જ મચ્છરોના પોરાને ખાઈને તેમનો સફાયો કરે છે.

 

ચાંદીપુરા વાયરસ અટકાવવા તંત્ર એલર્ટ બન્યું

 

બીજી તરફ ગુજરાતમાં ચિંતા વધારી રહેલા ચાંદીપુરા વાયરસના સંક્રમણને ગાંધીનગરમાં પગપેસારો કરતો અટકાવવા પણ તંત્ર એલર્ટ બન્યું છે. આ વાયરસ ફેલાવતા સેન્ડફ્લાય (રેતીની માખી) ના નાશ માટે કાચા મકાનો અને ઝૂપડપટ્ટી વિસ્તારોમાં ખાસ મેલાથિયોન પાવડર ડસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ છે. આ ઝુંબેશની શરૂઆત સેક્ટર-13 માં આવેલા 600 જેટલા કાચા છાપરાઓથી કરવામાં આવી છે. આગામી દિવસોમાં બાકીના સંવેદનશીલ વિસ્તારોને પણ ઝડપથી આવરી લેવામાં આવશે.

 

મનપાના આરોગ્ય વિભાગની વાલીઓ માટે માર્ગદર્શિકા જાહેર

 

આ અંગે મનપા આરોગ્ય તંત્રના ચીફ મેડિકલ ઓફિસર ડૉ.કલ્પેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 15 વર્ષ સુધીની નાની ઉંમરના બાળકોને નિશાન બનાવતો હોવાથી મનપાના આરોગ્ય તંત્રએ વાલીઓ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે.

 

વાલીઓને અપીલ છે કે તેઓ બાળકોને શરીર પૂરેપૂરું ઢંકાય તેવા આખી બાંયના કપડાં પહેરાવે અને રાત્રે તેમજ દિવસે પણ દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ આગ્રહપૂર્વક કરે. ઘરમાં માટી કે દીવાલોની તિરાડો પૂરી દેવી જેથી માખી-મચ્છરો ભરાઈ ન રહે અને ઘરમાં પૂરતો સૂર્યપ્રકાશ તેમજ હવા ઉજાસ રહે તેવી વ્યવસ્થા ગોઠવવી અત્યંત જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *