જવાનો અને યુવાશક્તિએ દાખવ્યો અભૂતપૂર્વ ઉત્સાહ: 753 યુનિટ રક્ત એકત્ર થયું
*રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નરશ્રીએ બ્લડ કેમ્પની મુલાકાત લઈ રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો*
*લોકભવનમાં અત્યાર સુધીમાં યોજાયેલી 16 રક્તદાન શિબિરો થકી કુલ 11,507 યુનિટ રક્ત એકત્ર થયું*
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે જન્મદિવસને માત્ર એક ઉત્સવ તરીકે નહીં, પરંતુ માનવતા અને જનસેવાના પવિત્ર યજ્ઞ તરીકે ઉજવવાની એક સુદ્રઢ પરંપરા પ્રસ્થાપિત થયેલી છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીના જન્મદિને યોજાતા સેવાકાર્યોની આ કડીને અવિરત આગળ ધપાવતા, આ વર્ષે પણ લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીના જન્મદિવસના શુભ અવસરે લોકભવન પરિસરમાં રક્તદાન શિબિરનું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ આ બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે રક્તદાન કરી રહેલા સુરક્ષા જવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકો પ્રત્યે આભાર વ્યક્ત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નરશ્રી પ્રત્યે પોતાનો સ્નેહ અને આદર પ્રગટ કરવા માટે મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા, જેના પરિણામે કુલ 753 યુનિટ જેટલો વિશાળ રક્તનો જથ્થો એકત્રિત થયો હતો. આ એકત્રિત થયેલું રક્ત અંદાજીત 2,259 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવા માટે મદદરૂપ સાબિત થશે.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી – ગુજરાત શાખા, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સિવિલ હોસ્પિટલ ગાંધીનગર,
યુ.એન. મહેતા હોસ્પિટલ, મેડિકલ કોલેજ, સોલા સહિતની સંસ્થાઓના સૌજન્યથી આયોજિત આ રક્તદાન શિબિરમાં અમદાવાદ-ગાંધીનગર-સોલા સિવિલ, ગૂજરાત વિદ્યાપીઠ, ગણપત યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, કેળવણી ધામ – નિકોલ તથા અન્ય વિદ્યાર્થીઓ, બી.એસ.એફ, એરફોર્સ, સી.આર.પી.એફ. તથા કોસ્ટગાર્ડના જવાનો, સૈનિક વેલ્ફેર બોર્ડના સદસ્યો, ગ્રામ વિકાસ એજન્સીના યુવાઓ, આયુર્વેદિક ડોક્ટર્સ તેમજ સ્વયંસેવી સંસ્થાઓના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હોસ્ટમેન અને એ.ડી.સી. બેંક દ્વારા રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બ્લડ કેમ્પનું લોકભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા તથા ગૃહ નિયામક શ્રી એ. કે. જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તથા તેનું સંચાલન લોકભવનના ચિકિત્સક ડૉ. શશાંક સિમ્પીએ કર્યું હતું.
આ રક્તદાન શિબિરમાં ચંદીગઢથી આવેલા રણદીપસિંહ બટ્ટાએ તેમના જીવનનું 200મું રક્તદાન કર્યું હતું. રાજ્યપાલશ્રી તથા લેડી ગવર્નરશ્રીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ વહેલી સવારે લોકભવન પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કરીને રાજ્ય સહિત દેશની પ્રગતિ થાય તથા તમામ લોકો સુખ સમૃદ્ધિ મેળવે તેવી યાચના કરી હતી.
