ઘાસચારાની વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટરશ્રીઓને સીધી સત્તા સોંપાઈ
ગુજરાત સરકારે પશુધનની સુરક્ષા માટે કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે તેવા વિસ્તારોમાં ઘાસચારાની વ્યવસ્થા માટેની સીધી સત્તા જિલ્લા કલેક્ટરશ્રીને સોંપવામાં આવી છે.
આ અંગેની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પશુઓના ઘાસચારાની વ્યવસ્થામાં વિલંબ ન થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીને સીધી સત્તા સોંપવામાં આવી છે. પરિણામે, ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલા પશુધનના ઘાસચારા માટેની જરુરી વ્યવસ્થા માટે સમયનો વ્યય નહીં થાય.
નાયબ મુખ્યમંત્રી શ્રીએ આ અંગેનું કારણ સ્પષ્ટ કરતાં કહ્યું કે, સામાન્યપણે, આ પ્રકારની વહીવટી મંજૂરી-પ્રક્રિયામાં ઘણો સમય વ્યતિત થતો હોવાનું ધ્યાને આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હવે જિલ્લા કલેક્ટરશ્રી જિલ્લાની વાસ્તવિક પરિસ્થિતિ અને જરૂરિયાતને ધ્યાને રાખીને ઘાસચારા બાબતે ત્વરિત નિર્ણય લઈ શકશે.
