આતંકીઓએ 100 કરોડ માંગ્યા, 44 કરોડે નક્કી થયો સોદો: માલીમાં ગોલ્ડ માઇનિંગ કરતા સુરતના ધીરૂ રામાણીનો રસોઈયા અને ઇલેક્ટ્રિશિયન સાથે છુટકારો

Spread the love

આફ્રિકન દેશ માલીમાં છેલ્લા ત્રણ મહિનાથી રહસ્યમય રીતે ગુમ થયેલા સુરતના અગ્રણી હીરા ઉદ્યોગપતિ ધીરૂ રામાણી આખરે સુરક્ષિત રીતે મુક્ત થયા છે. અલકાયદા સાથે જોડાયેલા સ્થાનિક કટ્ટરપંથી આતંકી જૂથે શરૂઆતમાં 100 કરોડ રૂપિયાની (Mali Kidnapping)ભારેખમ ખંડણી માંગી હતી, પરંતુ લાંબી વાટાઘાટો બાદ આખરે 4 મિલિયન યુરો (અંદાજે 44 કરોડ રૂપિયા) ચૂકવીને તેમને મુક્ત કરાવવામાં આવ્યા છે.

ધીરૂભાઈની સાથે જ ગુમ થયેલા તેમના રસોઈયા અને ઇલેક્ટ્રિશિયન પણ મુક્ત થતાં પરિવાર સહિત સમગ્ર ડાયમંડ એસોસિએશને મોટી રાહતનો શ્વાસ લીધો છે.

 

વૈશ્વિક સ્તરે હીરા બજારમાં મોટું નામ

75 વર્ષીય ધીરૂભાઈ રામાણીનો પરિવાર પરંપરાગત રીતે વર્ષોથી સુરત અને આંતરરાષ્ટ્રીય સ્તરે હીરાના વેપાર સાથે સંકળાયેલો છે. ન્યૂયોર્ક સિટીમાં તેમની ‘રામાણી એક્સપોર્ટ’ નામની જાણીતી પેઢી, ડાયમંડ ફેક્ટરી તેમજ સીબીડી ડાયમંડ અને જ્વેલરીના આલીશાન શો રૂમ્સ આવેલા છે. સુરતમાં પણ તેમનું ડાયમંડનું એક મોટું નેટવર્ક કાર્યરત છે. તેમના દીકરાઓ અમેરિકાના સિટિઝન છે અને વૈશ્વિક હીરા બજારમાં ભારે વગ ધરાવે છે, જેના કારણે આ હાઈ-પ્રોફાઈલ અપહરણના સમાચારથી આખું ડાયમંડ જગત હચમચી ગયું હતું.

પરિવારે સરકારી મદદ વિના જાતે જ કર્યું નેગોશિયેશન

આ સમગ્ર મામલે એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, પરિવારે આખી પરિસ્થિતિને પોતાની રીતે જ હેન્ડલ કરી હતી અને આમાં કોઈ સરકારી તંત્ર કે ભારતીય વિદેશ મંત્રાલયને સામેલ કર્યા નહોતા. ધીરૂભાઈનો પરિવાર અમેરિકાથી જ કટ્ટરપંથી સંગઠન સાથે સીધા સંપર્કમાં હતો. પરિવારે વેપારી સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી માંગતા આતંકીઓએ વીડિયો કોલ દ્વારા ત્રણેય ભારતીયો જીવતા હોવાના પુરાવા આપ્યા હતા. આ વીડિયો પ્રૂફ મળ્યા બાદ પરિવારે નેગોશિયેશનની પ્રક્રિયા તેજ કરીને નાણાંની લેવડદેવડ પૂર્ણ કરી હતી.

 

ડાયમંડ મૂકીને ગોલ્ડ માઇનિંગમાં કર્યું હતું રોકાણ

ધીરૂ રામાણીએ થોડા વર્ષો પહેલા આફ્રિકાના માલી દેશમાં સોનાની ખાણકામ (ગોલ્ડ માઇનિંગ) ના પ્રોજેક્ટમાં મોટું રોકાણ કર્યું હતું. તેઓ છેલ્લા બે વર્ષથી માલીમાં જ ગ્રાઉન્ડ લેવલ પર રહીને આ આખા માઇનિંગ પ્રોજેક્ટનું ઓપરેશન પોતે સંભાળતા હતા, જે દરમિયાન એક અજ્ઞાત લોકેશન પરથી તેમનું અપહરણ કરી લેવાયું હતું. જો કે, આ ઘટના બાદ સાઉથ આફ્રિકા કે અન્ય હાઈ-રિસ્ક ધરાવતા દેશોમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ કે માઇનિંગ પ્રોજેક્ટ્સ ચલાવતા સુરતના વેપારીઓમાં હજુ પણ ભારે ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *