મહેસાણા જિલ્લાના વિજાપુરમાં શરૂઆતમાં અકસ્માત માનવામાં આવેલી ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મેડિકલ સ્ટોર સંચાલક વિનોદભાઈના મોત પાછળ સુનિયોજિત હત્યાનું ષડયંત્ર રચાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વિજાપુર પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ તપાસના આધારે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકની પત્ની અને દીકરીએ ભાણેજને સોપારી આપી બ્રેઝા કારથી જોરદાર ટક્કર મારાવી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે વિનોદભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આ કેસમાં ભાણેજ સહિત પત્ની અને દીકરીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
દીકરી પિતાનું લાઈવ લોકેશન મોકલતી હતી
તપાસ દરમિયાન એક મહત્વનો ખુલાસો એ પણ થયો છે કે દીકરી શ્રદ્ધા સતત પોતાના પિતાનું લાઈવ લોકેશન આરોપીઓને મોકલતી હતી. તેના આધારે આરોપીઓએ યોગ્ય તક જોઈને બ્રેઝા કારથી ટક્કર મારી હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.
CCTV અને ટેક્નિકલ પુરાવાથી ખુલ્યો ભેદ
વિજાપુર પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તેમજ અન્ય ટેક્નિકલ પુરાવાની તપાસ કરતાં સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ, સોપારીની રકમ તથા અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.
અકસ્માતને હત્યામાં ફેરવનાર કિસ્સાથી ચકચાર
આ ઘટનાએ સમગ્ર મહેસાણા જિલ્લામાં ચકચાર મચાવી છે. પરિવારના સભ્યો પર જ હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ સામે આવતાં લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. પોલીસ હવે આરોપીઓના રિમાન્ડ મેળવી સમગ્ર કાવતરાના તમામ પાસાઓની તપાસ કરશે.
હત્યા પાછળનું કારણ શું? પોલીસ તમામ પાસાં તપાસી રહી
પોલીસ હાલ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે કે આખરે પરિવારના સભ્યોએ આટલું ગંભીર પગલું શા માટે ભર્યું. હત્યા પાછળ પારિવારિક વિવાદ, આર્થિક કારણો, મિલકતનો મુદ્દો કે અન્ય કોઈ અંગત કારણ જવાબદાર છે કે કેમ તે સહિતના તમામ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આરોપીઓ વચ્ચે થયેલા ફોન કોલ, મેસેજ અને ડિજિટલ પુરાવાઓની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે.
મહેસાણા ATS કેસ : જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 5 શંકાસ્પદ આરોપીઓ 8 દિવસના પોલીસ રિમાન્ડ પર
રિમાન્ડ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસાની શક્યતા
વિજાપુર પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવી સમગ્ર કાવતરાની કડી જોડવાનો પ્રયાસ કરશે. બ્રેઝા કારનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો, સોપારીની રકમ કેટલી હતી, કાવતરાનું આયોજન ક્યારથી શરૂ થયું અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. પોલીસનું માનવું છે કે આરોપીઓની પૂછપરછ દરમિયાન આ હાઈ-પ્રોફાઇલ કેસમાં હજુ વધુ મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે.
