દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન આજથી પાટા પર દોડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના જીંદ સ્ટેશનથી દેશની પહેલવહેલી હાઈડ્રોજન ટ્રેનને લીલી ઝંડી દેખાડી છે. આ ટ્રેન માત્ર ફાસ્ટ છે એટલું જ નહીં પરંતુ સંપૂર્ણ રીતે પર્યાવરણને અનુકૂળ અને પ્રદૂષણ રહિત છે. હાઈડ્રોજન ટ્રેન સામાન્ય ટ્રેનો જેમ કે વીજળી કે ડીઝલથી ચાલતી ટ્રેનોથી અલગ છે.
અત્રે જણાવવાનું કે હાઈડ્રોજન અને હવામાં રહેલા ઓક્સિજનના રાસાયણિક રિએક્શનથી વીજળી પેદા થાય છે. જેનાથી આ ટ્રેન ચાલે છે. જેમાં ફક્ત પાણીની વરાળ નીકળે છે. કોઈ ધુમાડો, કાર્બન ડાયોક્સાઈડ કે પ્રદૂષણ થતું નથી. એટલે કે આ ટ્રેન સંપૂર્ણ રીતે ઝીરો ઈમિશનવાળી ટ્રેન છે.
ભારતની પહેલી હાઈડ્રોજન ટ્રેનની ખાસિયતો
હાઈડ્રોજન ટ્રેનનો રૂટ
આ ટ્રેન હરિયાણામાં જીંદથી સોનીપત (89 કિમી) સુધી દોડશે. હાઈડ્રોજન ટ્રેન રોજ બે રાઉન્ડ ટ્રીપ એટલે કે કુલ 356 કિમીની મુસાફરી કરશે.
હાઈડ્રોજન ટ્રેનના સ્ટોપ
જીંદ જંકશન
જીંદ સિટી
પાન્ડુ પીન્ડારા જંકશન
લલીત ખેરા હોલ્ટ
ભાંભેવા
ઈસાપુર ખેડી હોલ્ટ
બુટાના હોલ્ટ
રાબરા હોલ્ટ
લાથ હોલ્ટ
મોહાના
બરવાસ્ની હોલ્ટ
સોનીપત ન્યૂ
સોનીપત
હાઈડ્રોજન ટ્રેનની સ્પીડ
આ હાઈડ્રોજન ટ્રેનની ઓપરેશનલ સ્પીડ 75 કિમી પ્રતિ કલાક છે. ટ્રાયલ દરમિયાન 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી હતી. હાઈડ્રોજન ટ્રેન એક કલાકમાં 90 કિમીની મુસાફરી કરશે. જ્યારે જૂના ડીઝલ એન્જિનથી ટ્રેનને આ મુસાફરી કાપવામાં 2 કલાકનો સમય લાગે છે.
હાઈડ્રોજન ટ્રેનના કોચ
આ ટ્રેનમાં 10 કોચ હશે જેમાં 2 ડ્રાઈવિંગ પાવર કાર (DPC) અને 8 પેસેન્જર કોચ છે. કુલ પાવર 2400 કિલોવોટ છે.
મુસાફરોની ક્ષમતા
હાઈડ્રોજન ટ્રેનમાં કુલ 682 સીટો છે અને લગભગ 2600 મુસાફરોની ક્ષમતા છે.
ટ્રેનની રેન્જ
એકવાર હાઈડ્રોજનથી ફૂલ કરવામાં આવે તો લગભગ 250 કિમી સુધી દોડી શકે છે. રોજ લગભગ 300 કિલો હાઈડ્રોજન વપરાશે.
હાઈડ્રોજન ટ્રેનનું ભાડું
તમને જો એમ લાગતું હોય કે આ ટ્રેન મોંઘી હશે તો તમારી ભૂલ છે કારણ કે આ ટ્રેનનું ભાડું ફક્ત 5 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી છે. જે પ્લેટફોર્મ ટિકિટ (સામાન્ય રીતે 10-20 રૂપિયા હોય છે) અને મેટ્રોથી પણ ઓછું છે.
ટ્રેનમાં હાઈડ્રોજન ગેસનો ઉપયોગ થતો હોવાથી સુરક્ષા પર ખાસ ભાર મૂકાયો છે. તેમાં મલ્ટી લેયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં આવ્યા છે. સુરક્ષાની રીતે હાઈડ્રોજન લીક ડિટેક્ટર, ફાયર ડિટેક્ટર, અને મોનિટરિંગ સિસ્ટમ લાગેલી છે.
કઈ રીતે કામ કરે છે હાઈડ્રોજન ટ્રેન?
હાઈડ્રોજન ટ્રેનની બે બાજુ પાવર કાર લાગેલા છે. દરેક પાવર કારમાં હાઈડ્રોજન સિલિન્ડર, ફ્યૂલ સેલ અને બેટરી હોય છે. હાઈડ્રોજનથી વીજળી બને છે જે મોટર ચલાવે છે. વધારાની વીજળી બેટરીમાં સ્ટોર થાય છે. જે ફાસ્ટ ચલાવવામાં કે ચઢાણ પર મદદ કરે છે. હાઈડ્રોજન ટ્રેન ડીઝલ એન્જિનથી 60 ટકા ઓછો અવાજ કરે છે.
હાઈડ્રોજન ટ્રેનના ફાયદા
પ્રદૂષણમાં ઘટાડો
આ ટ્રેન ફક્ત પાણીની વરાળ જ કાઢે છે. એટલે ડીઝલ ટ્રેનોની સરખામણીમાં હવા સ્વચ્છ રહેશે.
ઈંધણની આયાતમાં ઘટાડો
ભારતે ઓઈલ અને ડીઝલ પર ઓછું નિર્ભર રહેવું પડશે.
નોન ઈલેક્ટ્રિફાઈડ રૂટ્સ માટે બેસ્ટ
જ્યાં ઓવરહેડ વાયર લગાવવા મુશ્કેલ હોય છે ત્યાં હાઈડ્રોજન ટ્રેન કામ લાગશે.
પાયલોટ પ્રોજેક્ટ
આ પાયલોટ પ્રોજેક્ટનો ખર્ચો (ટ્રેન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર) લગભગ 112 કરોડ રૂપિયા છે. જીંદમાં રેલવે હાઈડ્રોજન રિફ્યૂલિંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જ્યાં હાઈડ્રોજન સ્ટોર, કોમ્પ્રેસ, અને ભરવાની પૂરેપૂરી વ્યવસ્થા છે. પ્લાન્ટમાં પણ લીક ડિટેક્ટર, ફ્લેમ ડિટેક્ટર, ઓટો શટડાઉન, પાણીનું સ્પ્રે તથા ફાયર એલાર્મ લાગેલા છે. રેલવેનો પ્લાન છે કે ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ’ હેઠળ 35 હાઈડ્રોજન ટ્રેન દોડાવવામાં આવશે.
હાઈડ્રોજન ફ્યૂલથી ટ્રેન ચલાવનાર ભારત પાંચમો દેશ
આ ટ્રેનની શરૂઆત સાથે જ ભારત હાઈડ્રોજન ફ્યૂલથી ટ્રેન શરૂ કરનારો દુનિયાનો પાંચમો દેશ બન્યો છે. હાલ જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીનમાં જ હાઈડ્રોજન ટ્રેન દોડે છે.
