શેરબજારમાં પ્રી-IPO એલોટમેન્ટના નામે ઊંચા વળતરની લાલચ આપી સાયબર ગઠિયાઓએ ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતા મહિલા લેબ ટેકનિશિયન સાથે અંદાજે ₹ 69.63 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આવેલી એક લોભામણી જાહેરાત પર ક્લિક કર્યાં બાદ મહિલા તબક્કાવાર છેતરપિંડીનો ભોગ બની હતી. આ અંગે ગાંધીનગર રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઠગો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો छे.
રોશનીબેને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ મહેસાણાના અને હાલ ગાંધીનગરના સરગાસણમાં પ્રમુખ પરીસર સોસાયટીમાં રહેતા રોશનીબેન જીગ્નેશભાઈ પ્રજાપતિ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. 2 ડિસેમ્બર 2025ના રોજ તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના ઈન્સ્ટાગ્રામ આઈડી પર Tired Of Zero Allotment? નામની એક જાહેરાત આવી હતી.
જાહેરાત પર ક્લિક કરી વિગતો ભરતા લિંક, PDF આવી
આ જાહેરાત પર ક્લિક કરીને રોશનીબેને પોતાનું નામ અને પાનકાર્ડની વિગતો સબમિટ કરી હતી. આ માહિતી ભર્યાના ટૂંક જ સમયમાં સાયબર ગઠિયાઓએ રોશનીબેનના મોબાઇલ નંબરને ‘IIFL WEALTH MANAGEMENT-5’ નામના એક વોટ્સએપ ગ્રૂપમાં જોઈન કરી દીધો હતો. આ ગ્રૂપમાં પ્રી-આઇપીઓ કેવી રીતે મેળવવો અને તેમાં રોકાણથી થતા ફાયદા અંગેની ચેટ થતી હતી. ત્યારબાદ ગ્રૂપમાં સક્રિય યતીન શાહ નામના વ્યક્તિએ રોશનીબેનનો સંપર્ક કર્યો હતો અને PDF ફાઇલ તેમજ એક શંકાસ્પદ લિંક મોકલી આપી હતી.
વિશ્વાસમાં લેવા માટે 68 હજાર વિડ્રો કરવા દીધા આ લિંક પર મહિલા પાસે એગ્રીમેન્ટ અને નોમિની ફોર્મ ભરાવીને સહી-સિક્કા કરી પરત મોકલી તેમનો વિશ્વાસ જીતી લેવામાં આવ્યો હતો અને બાદમાં એક યુઝરનેમ-પાસવર્ડ જનરેટ કરી અપાયો હતો.
ઠગ ટોળકીએ રોશનીબેનને શરૂઆતમાં ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના ખાતામાં 2 લાખ ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. આ રોકાણ સામે એપ્લિકેશનમાં મોટો પ્રોફિટ બતાવી ગઠિયાઓએ રોશનીબેનને 68,000 વિડ્રો કરવા દીધા હતા.
પૈસા પરત મળતા મહિલાએ વધુ પૈસા ટ્રાંસફર કર્યાં આમ પ્રથમ પ્રયાસે પૈસા પરત મળતા મહિલાને સ્કીમ સાચી હોવાનો પૂરો ભરોસો બેસી ગયો હતો. જેનો લાભ ઉઠાવી યતીન શાહ નામના ભેજાબાજે પૂર્વ આયોજિત કાવતરું રચી રોશનીબેન પાસેથી અલગ-અલગ તારીખે એક્સિસ બેંક, બંધન બેંક અને IDBI બેંકના જુદા-જુદા ખાતાઓમાં ₹ 70,31,582 પડાવી લીધા હતા.
પૈસા પરત ન આપતા સાયબર ફ્રોડનો અહેસાસ થયો આ રોકાણ બાદ નકલી એપ્લિકેશનમાં રોશનીબેનનો પ્રોફિટ વધીને 1.02 કરોડથી વધુનો બતાવતો હતો. જેથી મહિલાએ પોતાના રૂપિયા પરત માંગતા ગઠિયાઓએ પ્રોફિટના 10 ટકા લેખે બીજા ₹ 10,26,269 ભરાવી લીધા હતા. આમ છતાં એક પણ રૂપિયો ખાતામાં ન આવતા અને ગઠિયાઓએ વધુ નાણાંની માંગણી ચાલુ રાખતા આખરે મહિલાને પોતાની સાથે સાયબર ફ્રોડ થયું હોવાનો અહેસાસ થયો હતો.
આખરે ભોગ બનનાર મહિલાએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ મામલે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકે વિધિવત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
