રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યના ખેડૂતો જે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, તે વરસાદી સિસ્ટમ 21 જુલાઈથી સક્રિય થવાની શક્યતાઓ જણાઈ રહી છે. આ સિસ્ટમ આવતા રાજ્યના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે.21થી 25 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતના વડોદરા અને અમદાવાદના ભાગોમાં ભારે વરસાદ અથવા વરસાદી ઝાપટાની શક્યતા છે, જેમાં અમુક સ્થળોએ 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા રહેલી છે.
દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 26થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એટલે કે 3 ઓગસ્ટથી ફરી ભારે વરસાદી ઝાપટાની શરૂઆત થશે અને 9 ઓગસ્ટ બાદ પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ પણ પડી શકે છે.
