ન હથિયાર… ન યુદ્ધ, ભારતની ડિજિટલ સુપરપાવર UPIથી અમેરિકાની વધી ચિંતા! ધીમે-ધીમે ખતમ થઈ રહી છે ‘દાદાગીરી’

Spread the love

દુનિયામાં પોતાની શક્તિ સાબિત કરવા માટે હંમેશા મોટી મિસાઈલ, ઘાતક હથિયારો અથવા લોહિયાળ યુદ્ધની જરૂર પડતી નથી. ઘણી વખત કોઈ અવાજ કર્યા વગર અપનાવેલી વ્યૂહરચના પણ મોટા દેશોને મુશ્કેલીમાં મૂકી દે છે. ભારતે પણ કંઈક આવું જ કર્યું છે. કોઈ લડાઈ વગર ભારત પોતાની ડિજિટલ સુપરપાવર UPIના બળે અમેરિકા જેવા દેશોની વર્ષો જૂની દાદાગીરીને પડકાર આપી રહ્યું છે.અમેરિકાના ડોલરની બાદશાહીને હવે ભારતની સ્વદેશી સિસ્ટમ સીધી ટક્કર આપી રહી છે. કદાચ પશ્ચિમી દેશોએ પણ તેની તાકાતનો આટલો અંદાજ નહોતો લગાવ્યો. આ કોઈ સૈન્ય ગઠબંધન નહીં, પરંતુ ભારતની લાંબા ગાળાની વૈશ્વિક વ્યૂહરચનાનો ભાગ છે.

 

ભારત-ન્યૂઝીલેન્ડ UPI પેમેન્ટ ડીલ

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને મળીને ‘રોડમેપ ટુ 2030’ પર હસ્તાક્ષર કર્યા છે. આ ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ભારતીય નિકાસ પર લાગતી કસ્ટમ ડ્યૂટી હવે સીધી 0% થઈ ગઈ છે. સાથે જ ન્યૂઝીલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં $20 બિલિયનનું રોકાણ કરશે.

 

આ ભાગીદારી બંને દેશો માટે લાભદાયી છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ જાહેરાત બંને દેશોના પેમેન્ટ સિસ્ટમને એકબીજા સાથે જોડવાની રહી. એટલે કે હવે ભારતનું UPI અને ન્યૂઝીલેન્ડનું પેમેન્ટ સિસ્ટમ પરસ્પર કનેક્ટ થશે, જેના કારણે લોકોને સરળ, સુરક્ષિત, ઝડપી અને ઓછી કિંમતમાં ડિજિટલ પેમેન્ટની સુવિધા મળશે.

 

ભારત UPIને વૈશ્વિક સ્તરે કેમ લઈ જઈ રહ્યું છે?

 

સવાલ એ થાય કે ભારત UPIને દુનિયાભરમાં ફેલાવવા માટે આટલો ભાર કેમ મૂકી રહ્યું છે? તેનો સીધો જવાબ એ છે કે UPI માત્ર પેમેન્ટ સિસ્ટમ નથી, પરંતુ નવા ભારતની વૈશ્વિક વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ છે.

 

તેના પાછળ ભારતના ત્રણ મોટા લક્ષ્‍યાંકો છે.

 

ભારતને મોટો આર્થિક લાભ મળે અને ઓછા ખર્ચે વધુ રેમિટન્સ દેશમાં આવે.

 

Visa અને Mastercard જેવી વિદેશી કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવી.

 

ડિજિટલ સોફ્ટ પાવર દ્વારા વૈશ્વિક પ્રભાવ વધારવો.

 

 

જે દેશો ભારતની UPI સિસ્ટમ અપનાવી રહ્યા છે, તેઓ ધીમે-ધીમે ભારતના ડિજિટલ ઈકોસિસ્ટમનો ભાગ બની રહ્યા છે.

 

જો તેના કદની વાત કરીએ તો આજે દુનિયાભરમાં થતા તમામ રિયલ-ટાઈમ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનમાં એકલા UPIનો હિસ્સો 49% છે. ત્યારબાદ IMPS 11%, RTGS 7% અને અન્ય તમામ સિસ્ટમનો મળીને 33% હિસ્સો છે. આ ઝડપી, સુરક્ષિત અને સરળ સિસ્ટમ આજે ભારતની સૌથી મોટી ડિજિટલ તાકાત બની ગઈ છે.

 

10થી વધુ દેશોમાં UPI, ડોલરની બાદશાહીને પડકાર

 

ભારતનું આ ડિજિટલ નેટવર્ક હવે દુનિયાના 10થી વધુ દેશોમાં પહોંચી ચૂક્યું છે. તેમાં UAE, સિંગાપુર, ફ્રાન્સ, મોરિશિયસ, નેપાળ, ભૂટાન, કતાર, શ્રીલંકા, કંબોડિયા અને ગ્રીસ જેવા દેશોનો સમાવેશ થાય છે. ઉપરાંત ઈન્ડોનેશિયા સાથે પણ UPI જોડવાની જાહેરાત થઈ ચૂકી છે.

 

ભારતે અત્યાર સુધી 23 દેશો સાથે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) માટે MoU કર્યા છે. આ ભાગીદારી વૈશ્વિક અર્થતંત્રને વધુ જોડે છે, ડિજિટલ વ્યવહારને મજબૂત બનાવે છે અને છેતરપિંડી ઘટાડવામાં મદદરૂપ બને છે.રેમિટન્સમાં બચશે અબજો ડોલર

 

ભારતની આ ડિજિટલ વ્યૂહરચનાનો સૌથી મોટો હેતુ વિદેશથી આવતા રેમિટન્સ સાથે જોડાયેલો છે. દુનિયામાં સૌથી વધુ રેમિટન્સ મોકલનારા ભારતીયો દર વર્ષે $125 બિલિયનથી વધુ રકમ ભારતમાં મોકલે છે.

 

અગાઉ Western Union જેવી કંપનીઓ આ રકમ પર 5%થી 7% સુધીની ભારે ફી વસૂલતી હતી. હવે UPIના વૈશ્વિક નેટવર્કથી પૈસા મોકલવાનો ખર્ચ લગભગ નહિવત થઈ ગયો છે. પરિણામે વિદેશી કંપનીઓને મળતો અબજો ડોલરનો નફો હવે ભારતીય પરિવારોની બચત બની રહ્યો છે.

 

Visa અને Mastercardને સીધો પડકાર

 

UPIનો બીજો મોટો ફાયદો Visa અને Mastercard જેવી અમેરિકન કંપનીઓની એકાધિકારવાળી સિસ્ટમને પડકારવાનો છે.

 

અગાઉ દરેક આંતરરાષ્ટ્રીય કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 1.5%થી 3.5% અથવા તેનાથી વધુ ફી લેવામાં આવતી હતી. હવે UPIના QR આધારિત પેમેન્ટમાં વિદેશી કાર્ડ નેટવર્કની જરૂર રહેતી નથી, ફી પણ ખૂબ ઓછી છે અને દેશનું નાણું દેશમાં જ રહે છે.

 

UPI સુરક્ષિત છે, રિયલ-ટાઈમમાં ટ્રાન્ઝેક્શન કરે છે અને ભારતને ડિજિટલ સ્વાવલંબન આપે છે. આ ભારતનું પોતાનું નેટવર્ક છે, જે ભારતના લોકો માટે બનાવવામાં આવ્યું છે.

 

શું ભારત SWIFTને પડકાર આપી રહ્યું છે?

 

એક મોટો સવાલ એ પણ છે કે શું ભારત સીધો SWIFT નેટવર્કનો વિકલ્પ ઉભો કરી રહ્યું છે?

 

તેનો જવાબ છે કે ભારત કોઈ ટકરાવ ઈચ્છતું નથી, પરંતુ એક વૈકલ્પિક સિસ્ટમ જરૂર ઉભી કરી રહ્યું છે.

 

SWIFTની સ્થાપના 1973માં બેલ્જિયમમાં થઈ હતી અને આજે દુનિયાભરના 10,000થી વધુ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ તેનો ઉપયોગ કરે છે, પરંતુ તેમાં ઘણા બિચોલિયાઓ હોય છે અને ટ્રાન્ઝેક્શન ખર્ચ પણ વધુ હોય છે.

 

બીજી તરફ UPI એક રિયલ-ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે, જે એક બેન્કમાંથી બીજી બેન્કમાં તરત જ નાણાં ટ્રાન્સફર કરે છે. તે સસ્તી છે અને 24 કલાક કાર્યરત રહે છે.

 

ભારતનો લાંબા ગાળાનો પ્લાન સ્પષ્ટ છે. એક દેશના UPIને બીજા દેશ સાથે જોડવો, સરહદ પારના પેમેન્ટ સરળ બનાવા, સ્થાનિક ચલણમાં વેપાર વધારવો અને વૈશ્વિક ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવવું.

 

પશ્ચિમી દેશોની આર્થિક દાદાગીરીનો વિકલ્પ

 

SWIFT પોતે નાણાં ટ્રાન્સફર કરતું નથી, પરંતુ બેન્કો વચ્ચે સંદેશાવ્યવહાર માટેનું સુરક્ષિત નેટવર્ક છે. જોકે તેના નિયમો અને નીતિઓ પર પશ્ચિમી દેશોનો મોટો પ્રભાવ માનવામાં આવે છે.

 

2012માં ઈરાન અને 2022માં યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાને SWIFTમાંથી બહાર કરવામાં આવ્યા બાદ ઘણા દેશોએ વૈકલ્પિક સિસ્ટમ શોધવાની શરૂઆત કરી. ચીને CIPS વિકસાવ્યું અને ભારતે UPIને વૈશ્વિક સ્તરે વિસ્તરાવવાનું શરૂ કર્યું.

 

ભારત કોઈ જૂની સિસ્ટમને તોડવા માંગતું નથી, પરંતુ તેના સમકક્ષ એક સુરક્ષિત, પારદર્શક અને વિશ્વાસ આધારિત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સાથેનો તાજેતરનો કરાર આ જ વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ છે, જે દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક ડિજિટલ પેમેન્ટ નેટવર્કમાં અગ્રણી સ્થાન મેળવવા તરફ મજબૂત પગલાં ભરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *