ખેડૂતો તથા ખેતીની જમીન ધરાવતા લાખો લોકો માટે રાહતરૂપ નિર્ણય : પારિવારિક વિખવાદ અટકશે – નાના ટુકડાની નોંધ-વેચાણ-દસ્તાવેજ થઇ શકશે
ગાંધીનગર, તા.17
ખેડૂતો તથા કૃષિ જમીન ધરાવતા હજારો લોકોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો મહેસુલી નિર્ણય લઇને વટહુકમ જારી કર્યો છે જે અંતર્ગત હવે 10 ગુંઠા કરવા વધુ જમીનના ટુકડા નિયમિત થશે. 10 ગુંઠા જમીન ટુકડા પ્રતિબંધક કાયદામાંથી મુક્ત રહેશે.31-3-2026 સુધીના ટુકડા પ્રતિબંધક કાયદા હેઠળના કેસો રદ કરવામાં આવશે. આ કેસોની સંખ્યા હજારોમાં થવા જાય છે. આ નિર્ણયથી વારસાગત-ભાગલાના પારિવારિક વિખવાદ અટકવા સહિત મોટી રાહત થવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટુકડા પડતા અટકાવવા તથા જોત એકત્રીકરણ બાબત (સુધારા) વટહુકમ તરીકે ઓળખાવવાનું જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા વટહુકમના આધારે બોમ્બે 62ની કલમ 5માં સુધારા હેઠળ પેટાકલમ-3 પછી વધુ એક કલમ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત કલમ 9માં પેટાકલમ પછી વધુ એક કલમ ઉમેરાશે.
વટહુકમમાં સુચવાયા મુજબ 29મી જાન્યુઆરી 1948થી 31 માર્ચ 2026 સુધી કરવામાં આવેલા જમીનની તબદીલી અથવા ભાગલા કોઇપણ દંડ કે પ્રીમીયમ વસુલ કર્યા વિના નિયમિત કરવામાં આવ્યાનું માનવામાં આવશે. ભાગલા કે તબદીલી મામલે કોઇપણ અધિકારી અથવા સતા મંડળ સમક્ષ પડતર તમામ કાર્યવાહી રદ થશે.
મહેસુલ વિભાગના જાણકારોના કહેવા પ્રમાણે મહેસુલ તંત્ર કે અદાલતમાં આવા પેન્ડીંગ કેસોની સંખ્યા હજારોમાં થવા જાય છે તે તમામ રદ થશે અને 10 ગુંઠાથી વધુ ક્ષેત્રફળની ટુકડા થયેલી જમીનો નિયમિત થઇ જશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આદેશથી જારી વટહુકમમાં કહેવાયું છે કે ખેતીની મોટી જમીન જાળવવા તથા વિભાજન રોકવા કાયદાનો હેતૂઓ પરંતુ બદલાતા સમય અને વિકાસને ધ્યાને રાખીને કાયદામાં સુધારા અનિવાર્ય થઇ પડ્યા હતા.
શહેરી તથા મ્યુનિસિપલ વિસ્તારોના વિસ્તરણ સાથે તેની આસપાસની જમીનો વિકાસ યોજનાઓ હેઠળ વાણિજ્ય, કોમર્શિયલ તથા ઔદ્યોગિક ઝોનમાં સત્તાવિષ્ટ કરવામાં આવી છે. બીનખેતી સહિત અનેકવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. આ સમસ્યા અટકાવવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે.
નિષ્ણાંતોએ કહ્યું કે, અત્યાર સુધી બીનપિયતવાળી જમીનમાં 80.84 ગુંઠા તથા પિયતવાળી જમીનમાં 20.24 ગૂંઠાથી ઓછા ક્ષેત્રફળના ટુકડા પર પ્રતિબંધ હતો. વારસાઇ ભાગલા સહિતના મોરચે ભારે વિખવાદો ઉભા થતાં હતા અને તંત્ર-અદાલતો સુધી કેસ થતાં હતા.
નોંધ પણ ન પડવા સહિતની સમસ્યા હતા. હવે 10 ગુંઠાને ટુકડો ગણવા તથા તેની નોંધ-વેચાણની મંજુરીથી કૃષિ જમીન ધરાવતા તમામ વર્ગને મોટી રાહત થશે. અત્યાર સુધી ટુકડા પ્રતિબંધક કાયદા હેઠળ નાના ટુકડા પર પ્રતિબંધ હતો તે હવે દુર થયો છે.
જો કે, 10 ગુંઠાથી ઓછી જમીનમાં કાયદો યથાવત રહેશે. પિયત અને બીનપિયત જમીનની ભેદરેખા પણ દુર કરવામાં આવી છે અને 10 ગુંઠાના ટુકડાની સમાન જોગવાઇ દાખલ કરવામાં આવી છે.
10 ગૂંઠાથી ઓછી જમીનમાં પણ છૂટછાટ મળવાની શક્યતા
નવા કાયદા હેઠળ 10 ગુંઠાથી વધુ જમીનના ટુકડા નિયમિત ગણાશે અને તેના વેચાણ-દસ્તાવેજ સહિતની પ્રક્રિયા થઇ શકશે. રાજ્ય સરકારના સૂત્રોએ કહ્યું કે ટુકડા પ્રતિબંધક ધારો 10 ગુંઠાથી ઓછુ ક્ષેત્રફળ ધરાવતી જમીનમાં જ લાગૂ રહેશે. જો કે, સરકાર 10 ગૂંઠાથી ઓછી જમીનના કિસ્સામાં પણ મંજુરી આધારિત છૂટછાટ આપી શકે છે.
