મેટ્રોમોનિયલ સાઈટ પર પ્રેમની જાળ… પછી 13.37 લાખની ડિજિટલ લૂંટ!

Spread the love

ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી(RRU)માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય મહિલા પ્રોફેસર સાથે મેટ્રોમોનિયલ સાઈટના માધ્યમથી સંબંધ બાંધી વિશ્વાસ કેળવી બેરિયાટ્રિક સર્જરી દરમિયાન મોબાઈલ લોકની ફિંગર પ્રિન્ટ બદલીને નેટ બેંકિંગના પાસવર્ડ મેળવી 13.37 લાખની ઠગાઈ આચરનાર ભુજના શખ્સ વિરુદ્ધ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

 

બેટર હાફ મેટ્રોમોનિયલ સાઈટ પર ભૂજના શખ્સનો સંપર્ક થયો’તો

 

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ લખનઉના વતની હાલ ચિલોડા ખાતે રહેતા મહિલા પ્રોફેસર સાડા ચાર વર્ષથી લવાડ ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરે છે. આશરે એક વર્ષ પહેલા બેટર હાફ મેટ્રોમોનિયલ સાઈટ પર તેમનો સંપર્ક આરોપી મૂળ ભુજના અને હાલ બેંગ્લોર રહેતા હિતેશ ધીરેન ઠક્કર સાથે થયો હતો.

 

શરૂઆતમાં થોડી વાતચીત બાદ ફરિયાદીએ તેની સાથે સંપર્ક તોડી નાખ્યો હતો, પરંતુ ગત 4મે 2026 ના રોજ આરોપીએ ફરી વ્હોટ્સએપ પર મેસેજ કરી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો અને બંને વચ્ચે ફરીથી વાતચીત શરૂ થઈ હતી.

 

મીઠી-મીઠી વાતો કરીને મહિલા પ્રોફેસરનો વિશ્વાસ જીતી લીધો

 

આ દરમિયાન ફરિયાદીની તબિયત અને વજનના કારણે આરોપી હિતેશે તેમને બેરિયાટ્રિક સર્જરી કરાવવાની સલાહ આપી હતી. ગત 14મેના રોજ આરોપી ફરિયાદીને લઈને ગાંધીનગરની કે.ડી. હોસ્પિટલ ખાતે ગયો હતો. હોસ્પિટલમાં દાખલ થતી વખતે અને અગાઉની મુલાકાતો દરમિયાન આરોપીએ મીઠી-મીઠી વાતો કરી મહિલા પ્રોફેસરનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો અને તેમના મોબાઈલ ફોનના તથા નેટ બેન્કિંગના પાસવર્ડ જાણી લીધા હતા.

 

બેરિયાટ્રિક સર્જરી દરમિયાન મોબાઈલ લોકની ફિંગરપ્રિન્ટ બદલી નાખી

 

બાદમાં 15 મેના રોજ જ્યારે મહિલા પ્રોફેસર ઓપરેશન થિયેટરમાં સર્જરી હેઠળ હતા. ત્યારે તેમનો મોબાઈલ ફોન હોસ્પિટલની બહાર હિતેશ પાસે હતો.

 

આ સમયગાળાનો લાભ ઉઠાવીને આરોપીએ મોબાઈલ ફોનના ફિંગરપ્રિન્ટ લોકમાં પોતાની ફિંગરપ્રિન્ટ ઉમેરી દીધી હતી. કરિયાદીના બેંક ખાતામાં મોટી રકમ પડી

હોવાની જાણ હોવાથી આરોપીએ તેમની જાણ બહાર 16મેના રોજ રૂપિયા 18.15 લાખની ફિક્સ ડિપોઝિટ તોડી નાખી હતી. તેમાંથી હોસ્પિટલનું 6 લાખ રૂપિયાનું બિલ અને દવાનો ખર્ચ ચૂકવ્યા બાદ બાકી બચેલી રકમમાંથી 17 અને 18 મેના રોજ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ 12.50 લાખ પોતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.

 

13.37 લાખની ઠગાઈ આચરી

 

ઉપરાંત ગત 31 મેના રોજ જ્યારે ફરિયાદીની તબિયત નાદુરસ્ત હતી ત્યારે પણ આરોપીએ તેમના ઘરે આવી મોબાઈલ ફોન મેળવી વધુ 50 હજાર સેરવી લીધા હતા. સાથોસાથ ફરિયાદીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને 1 જૂન અને 7 જૂનના રોજ કુલ 87,402 રૂપિયાના નાણાકીય વ્યવહારો કરી લીધા હતા.

 

બેલેન્સ ચેક કર્યું ને ભાંડો ફૂટ્યો, ફરિયાદ નોંધાઈ 4 જૂનના રોજ જ્યારે ફરિયાદીએ બેંક એપ્લિકેશનમાં બેલેન્સ ચેક કર્યું ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જે અંગે મહિલા પ્રોફેસરે ઓનલાઈન ફરિયાદ આપતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *