ગાંધીનગર શહેરમાં નવી નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇનમાં મેઇન લાઇનથી ઘર સુધીના જોડાણ આપવાની કામગીરીના સુપરવિઝન માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી તરીકે ગાંધીનગર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીની નિમણૂંક કરી પ્રોજેક્ટ કોસ્ટના 1 ટકા ફી ચૂકવવાની મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરાયેલી દખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફગાવી દેવામાં આવી છે. જોગવાઇઓથી વિપરિત હોવાથી આ દરખાસ્ત રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ગાંધીનગરમાં જે કામગીરી હાથ ધરવામાં આવી હતી તેના મોનિટરીંગ અને એક્ઝિક્યુશન માટે ગાંધીનગર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીની રચના કરવામાં આવી હતી. ગાંધીનગરમાં 24 કલાક પાણીની યોજના અને ડ્રેનેજ લાઇનનની કામગીરી એ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ જ કરવામાં આવી હતી.
બીજીતરફ ડ્રેનેજ લાઇનના જોડાણ નાગરિકોએ લેવાના થતા હતા પરંતુ મહાનગરપાલિકા દ્વારા નાગરિકો પર આર્થિક ભારણ ન આવે તે માટે આ જોડાણ કરાવી આપવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે 20 કરોડના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે.
આ કામગીરી યોગ્ય રીતે થાય છે કે નહીં તેના સુપરવિઝન માટે થર્ડ પાર્ટી પ્રોજેક્ટ મોનિટરીંગ કન્સલ્ટન્સી તરીકે સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીને રાખવા કમિશનરે દરખાસ્ત કરી હતી જેમાં કુલ પ્રોજેક્ટ ખર્ચના 1 ટકા લેખે ફી ચૂકવવાનો સમાવેશ કરાયો હતો.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીની રચના થઇ ત્યારે તેણે મહાનગરપાલિકાને અમૂક ટકા રકમ ચૂકવવાની જોગવાઇ સામેલ હતી, જ્યારે આ કામગીરી સ્માર્ટ સિટી અંતર્ગત જ થઇ રહી છે છતાં મહાનગરપાલિકા કંપનીને 1 ટકા રકમ ચૂકવે તે જોગવાઇઓથી વિપરીત હોવાથી આ દરખાસ્ત રદ કરવામાં આવી છે.
