Leopard in Ahmedabad: સામાન્ય રીતે જંગલી જાનવરો શિકારની શોધમાં ગ્રામ વિસ્તારમાં આવી પહોંચતા હોય છે. પરંતુ આ વખતે ગ્રામ્ય વિસ્તાર નહી, પણ અમદાવાદના છેવાડાના સૌથી ક્રીમ અને VIP ગણાતા બોપલ-ઘુમાના દીપડો આવી પહોંચ્યો છે.. ઘુમા ગામથી શેલા તરફ જવાના રોડ પર આવેલી શરણદીપ સોસાયટીમાં 19 જુલાઈની રાત્રે કાળ બનીને એક દીપડો ઘૂસી આવ્યો.
સોસાયટીની હાઈ પ્રોફાઈલ સિક્યોરિટી અને ઊંચી દીવાલો પણ આ દીપડાને રોકી શકી નહીં. દીપડો કોટ કૂદીને સોસાયટીમાં પ્રવેશ્યો હતો. સવારે સોસાયટીના કમ્પાઉન્ડમાંથી દીપડાના પંજાના નિશાન મળી આવતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે.
અમદાવાદના પોશ વિસ્તારમાં દીપડાની એન્ટ્રી
આ ઘટના એટલા માટે ચિંતાજનક છે, કારણ કે જે શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયો, તેનાથી થોડા જ અંતરે જાણીતું ઔડા ઓડિટોરિયમ અને વીઆઈપી લોકોની પહેલી પસંદ ગણાતી ‘ક્લબ O7’ આવેલી છે. આ આખોય VIP રોડ ચોવીસ કલાક લોકોની ચહલપહલથી ધમધમતો હોય છે. અગાઉ ક્યારેય ન બનેલી આ ઘટનાથી આસપાસના ઘુમા, શેલા અને બોપલના હજારો રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
વન વિભાગ એક્શન મોડમાં
અમદાવાદમાં દીપડાની એન્ટ્રીના પગલે હવે વન વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે. દીપડાને પાંજરે પૂરવા માટે અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવી દેવાયા છે. અમદાવાદ ડીસીએફ ડો. મીનલ જાનીના નેતૃત્વમાં સાણંદ, દસક્રોઈ અને માંડલ સહિતની વન વિભાગની ટીમો આ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે. વન વિભાગે આગામી એક સપ્તાહ સુધી આ વિસ્તારના નાગરિકોને, ખાસ કરીને મોર્નિંગ વોકર્સ અને રાત્રે નીકળતા લોકોને સાંજના સમયે એકલા બહાર ન નીકળવા કડક સૂચના આપી છે.
દીપડાના આંટાફેરાથી દહેશત
અત્યાર સુધી અમદાવાદ સફારી પાર્ક કે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના પાંજરામાં જ દીપડાને જોનારા અમદાવાદીઓ માટે આ ઘટના ચોંકાવનારી છે. જંગલો કપાતા અને કોંક્રીટના જંગલો વધતા હવે વન્યજીવો શહેરી વિસ્તારો તરફ વળ્યા છે તે આ ઘટના સાબિત કરે છે. વન વિભાગે દાવો કર્યો છે કે, દીપડો દેખાશે તો તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવાશે. પરંતુ જ્યાં સુધી આ હિંસક જાનવર પાંજરે નહીં પૂરાય, ત્યાં સુધી બોપલ-ઘુમાના આ હાઈ પ્રોફાઈલ રહીશોની રાતોની ઊંઘ હરામ જ રહેશે.
