સુરત નાસિરનગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ, ‘નાના કર્મચારીઓ સસ્પેન્ડ પણ ઓર્ડર આપનાર કમિશનર હજુ હોદ્દા પર કેમ?’

Spread the love

નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને SMCની આકરી ઝાટકણી કાઢી છે. 150થી વધુ પરિવારોને કાનૂની પ્રક્રિયા વિના બેઘર કરી દેવાના ગંભીર આક્ષેપો અંગે સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકારની તપાસ પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે સરકારની અત્યાર સુધીની તપાસ અને SITનો રિપોર્ટ માત્ર “આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ” લાગે છે.

આ સમગ્ર વિવાદમાં SMC કમિશનરની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થતાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે.

 

SMC કમિશનરની ભૂમિકા અને વોટ્સએપ ચેટ વિવાદ

 

સુનાવણી દરમિયાન સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિ અને SMC કમિશનર વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ મુખ્ય ચર્ચાનો વિષય બની હતી. ચેટમાં ડિમોલિશનની સૂચનાઓ આપવા તેમજ કામગીરી પૂર્ણ થયા બાદ કમિશનર દ્વારા “ગુડ વર્ક” કહી પ્રશંસા કરાઈ હોવાનો દાવો કરાયો છે. એડવોકેટ જનરલે સ્વીકાર્યું હતું કે ચેટમાં દર્શાવાયેલ નંબર કમિશનરનો જ છે.

 

રાજ્ય સરકારની કમિટી અને હાઈકોર્ટના તીખા સવાલો

 

આ મુદ્દે હાઈકોર્ટે વેધક સવાલ કર્યો હતો કે જો કમિશનર સામે પ્રથમદર્શી આક્ષેપો હોય તો નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાય છે, પરંતુ કમિશનર હજુ સુધી પોતાના હોદ્દા પર કેમ છે? આક્ષેપિત વ્યક્તિ પદ પર રહે ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ કેવી રીતે થઈ શકે? સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કોર્ટને જાણ કરી હતી કે નાસિરનગરના લાયકાત ધરાવતા અસરગ્રસ્ત પરિવારો માટે 120 ફ્લેટ ઉપલબ્ધ કરાવાયા છે અને અર્બન હાઉસિંગ વિભાગના બે વરિષ્ઠ અધિકારીઓની હાઈ લેવલ કમિટી તપાસ માટે રચાઈ છે.

ખાનગી હિત, જમીન માલિકી અને પુનર્વસનનો ખર્ચ

 

જોકે, હાઈકોર્ટે આ કમિટીના કાર્યક્ષેત્ર અને ‘તલસ્પર્શી તપાસ’ના ચોક્કસ વિષય અંગે સ્પષ્ટતા માગી હતી. સરકારે ખાતરી આપી હતી કે ઘટનામાં સામેલ તમામ નાના-મોટા અધિકારીઓની ભૂમિકાની તપાસ કરાશે. નાસિરનગરના 26 અરજદારો દ્વારા કરવામાં આવેલી અરજીમાં રાજ્ય સરકાર, SMC, પોલીસ વિભાગ, SOGના DCP, ટોરેન્ટ પાવર અને ખાનગી બિલ્ડરને પક્ષકાર બનાવાયા છે.

 

અનેક પ્રશ્નોના જવાબો હજુ વણઉકેલ્યા

 

કોર્ટે નોંધ્યું કે ખાનગી જમીન, રોડ લાઇન અને ડેવલપમેન્ટ પરમિશન સંબંધિત અનેક પ્રશ્નોના જવાબો હજુ વણઉકેલ્યા છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જો અધિકારીઓ દોષિત ઠરે તો અસરગ્રસ્તોના પુનર્વસનનો તમામ ખર્ચ જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલવો જોઈએ, રાજ્યની સરકારી તિજોરીમાંથી નહીં. હવે આ મામલે આગામી સુનાવણીમાં સરકાર તરફથી વધુ સ્પષ્ટતાની અપેક્ષા રખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *