અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું કહેવું એક કારચાલકને ભારે પડી ગયું છે. જલધારા ચોકડી નજીક જાહેર રોડ પર માત્ર સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા બાઇકચાલકે કારચાલક પર નાળિયેર કાપવાના કોઈટાથી હુમલો કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, બનાવ જીઆઇડીસીની જલધારા ચોકડી નજીક સબ્જી માર્કેટ નજીકના રોડ પર બન્યો હતો. એક કારચાલકે સામેથી રોંગ સાઇડ પર આવી રહેલા બાઇકચાલકને રોકીને રોંગ સાઇડ ન ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાંભળીને બાઇકચાલક શિસ્ત શીખવાને બદલે ઉશ્કેરાઈ ગયો હતો અને બંને વચ્ચે ઉગ્ર ઘર્ષણ શરૂ થયું હતું. મામલો એટલો વધી ગયો કે આરોપી બાઇકચાલકે નજીકમાં આવેલી નાળિયેર પાણીની લારી પરથી નાળિયેર કાપવાનો ધારદાર કોઈટો ઉપાડી લીધો હતો અને કારચાલક પર અચાનક તૂટી પડ્યો હતો. આ સનસનાટીભર્યા હુમલામાં કારચાલકને માથા તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જાહેર રોડ પર લોહીલુહાણ હાલતમાં કારચાલકને જોઈને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ઈજાગ્રસ્ત કારચાલકની હાલત નાજુક જણાતાં સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી બાઇકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કરી આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
