પિતાની નજર સામે જ પુત્ર પર મોતની કાર ફરી વળી: સેક્ટર-26માં 1 વર્ષના માસૂમનું કરુણ મોત

Spread the love

ગાંધીનગર શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે સેક્ટર-26 ખાતે આવેલા પોલિટેકનિકકોલેજ કેમ્પસમાં આવેલા એલ.આર.યુ.સી. બિલ્ડીંગ પાસે મજૂરી કામ કરતા પરિવારના એક વર્ષના માસૂમ બાળક પર કાર ફરી વળતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે સેકટર 21 પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

પૂરઝડપે આવતી કારે માસૂમ બાળકને કચડ્યો

 

મૂળ દાહોદ જિલ્લાના કાચલા ફળિયા સિમલીયા ખુર્દ ગામના વતની અને હાલ ગાંધીનગર સેક્ટર-26 પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં રહીને કડિયા કામ કરતા ઉર્વીશભાઈ સોમાભાઈ અમલીયાર મહેસાણાની ક્રિષા કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ મજૂરી કામ કરે છે. ગઈકાલે બપોરના આશરે અઢી વાગ્યાના સુમારે ઉર્વીશભાઈ તેમની પત્ની લક્ષ્મીબેન તથા અન્ય સાથી મજૂરો સાથે એલ.આર.યુ.સી. બિલ્ડીંગ પાસે કડિયા કામ કરી રહ્યા હતા.

 

ગંભીર ઇજાઓ ને સ્થળ પર જ બેભાન થયો

 

તે સમયે તેમનો એક વર્ષનો પુત્ર લવ્યાંશ અન્ય બાળકો સાથે નજીકમાં જ રમી રહ્યો હતો. આ દરમિયાન કેમ્પસના રસ્તા પર બેફિકરાઈ અને પુરઝડપે આવી રહેલી કાર નંબર GJ 08 DJ 4382 ના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારીને રમતા માસૂમ લવ્યાંશને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં લવ્યાંશને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતાં તે સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો.

 

પિતાની નજર સામે જ એક વર્ષનો પુત્ર મોતને ભેટ્યો આ ઘટના બનતા જ પરિજનો અને આસપાસના લોકો તુરંત બાળકની મદદ માટે દોડી ગયા હતા. અને ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક ખાનગી વાહન મારફતે ગાંધીનગર સેક્ટર-23 ખાતે આવેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે તેને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

 

પરંતુ કમનસીબે તબીબોના તમામ પ્રયાસો છતાં મોડી સાંજે સારવાર દરમિયાન માસૂમ લવ્યાંશે દમ તોડી દીધો હતો.આ બનાવ અંગે મૃતક બાળકના પિતા ઉર્વીશભાઈ અમલીયારે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ગુનો નોંધાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *